'કબાલી'નો Review : ફિલ્મ કબાલી અને 43 ગેંગ વચ્ચેના સંઘર્ષની કહાની

Date:2016-07-22 15:43:22

Published By:Jayesh

રેટિંગ : 3/5

કલાકારો : રજનીકાંત, રાધિકા આપ્ટે, ધનશિકા, વિંસ્ટન ચાઓ, જોન વિજય, દિનેશ રવિ
ડિરેક્ટર :  પીએ રંજિત
પ્રોડ્યુસર : કલઈપુલી એસ. થાનુ
મ્યુઝિક : સંતોષ નારાયણન


સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની 'કબાલી' લાંબી રાહ બાદ આજે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ એક એક્શન થ્રિલર મૂવી છે જેને પીએ રંજિતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રજનીકાંતની હિરોઇન રાધિકા આપ્ટે છે. આ ફિલ્મમાં રજનીકાંત ગરીબોના મસિહા બન્યા છે અને ફિલ્મમાં મજદૂરોની સમસ્યાને બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. આ સમગ્ર ફિલ્મ મલેશિયામાં શૂટ કરવામાં આવી છે. 

વાર્તા - 
ફિલ્મમાં રજનીકાંતે એક માથાફરેલા ગેંગ્સ્ટર (કબાલી)નો રોલ કર્યો છે જે 25 વર્ષ જેલમાં રહ્યા બાદ મલેશિયાની જેલમાંથી છૂટે છે. તે જેલમાંથી છૂટ્યા બાદ મલેશિયામાં રહેતા ભારતીયોની પરિસ્થિતિ સુધરે એ માટે સંઘર્ષ કરવા લાગે છે. મલેશિયામાં '43' નામની ગેંગ છે જે બાળકોને ડ્રગ્ઝ આપવાથી માંડીને બીજા અનેક ખોટા કામ કરે છે. આમ, ફિલ્મમાં 'કબાલી' અને  '43' વચ્ચેનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે. 

ડિરેક્શન -
ફિલ્મનો પહેલા હાફનો સ્ક્રીનપ્લે થોડો નબળો છે જેના કારણે ફિલ્મ થોડી ધીમી પડી જાય છે. જોકે ફિલ્મની સ્ટોરી તેમજ કેમેરા શોટ્સ સારા છે. ફિલ્મમાં રજનીકાંતની સ્ટાઇલ દેખાડતી સિનેમેટોગ્રાફી અને આર્ટવર્ક જોરદાર છે પણ ફિલ્મનું ડિરેક્શન થોડું નબળું છે. જોકે, સુપરસ્ટાર રજનીકાંતના ફેન્સ તો રજનીકાંતનું એક્શન જોઈને જ ફિદા થઈ જશે.

પર્ફોમન્સ -
ફિલ્મમાં રજનીકાંતે ફરી એકવાર જોરદાર એક્ટિંગ કરી છે. અઢી કલાકની આ ફિલ્મમાં રજનીકાંતના અલગઅલગ શેડ્સ જોવા મળે છે અને તેમણે દરેક રોલ બહુ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મમાં રાધિકા આપ્ટેએ પણ સારી એક્ટિંગ કરી છે. આમ, એક્ટિંગના મામલે સૌએ સારું કામ કર્યું છે. 'કબાલી'નું સંગીત પણ સારું છે અને તેનું 'નિરુપ્પા દા' પહેલાં જ મ્યુઝિક ચાર્ટ પર હિટ થઈ ગયું છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ શાનદાર છે. જો તમે રજનીકાંતના મોટા ચાહકો હો તો ચોક્કસ આ ફિલ્મ તમારા માટે જ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close