બેન જાય છે ?,દિલ્હીના દરબારમાં ગુજરાતનો રિપોર્ટ પહોંચ્યો

Date:2016-07-23 16:23:11

Published By:Jayesh

અમદાવાદ: ગુજરાતના ઉનામાં થયેલા દલિત અત્યાચારનો મુદ્દો રાજ્યસભામાં માયાવતીએ ઉઠાવ્યા બાદ સમગ્ર દેશભરમાં તેના ગંભીર પડઘા પડ્યાં હતાં. વિવિધ રાજકીય પક્ષના નેતાઓ ગુજરાત તરફ દોડી આવે છે, ત્યારે આ મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગંભીરતાથી લીધો હતો. આ મુદ્દે નરેન્દ્ર મોદીએ તમામ વિગતો સાથેનો એક અહેવાલ ગુજરાત સરકાર પાસે માંગ્યો હતો, જે મોદીના ખાસ મનાતા કે.કૈલાશનાથને તૈયાર કરીને મોકલ્યો છે. આ જ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ઉના અત્યાચારનો અને સરકારે લીધેલા પગલાનો અહેવાલ ખાનગી રીતે મંગાવ્યો છે. ત્યારે ભાજપના બે રાષ્ટ્રીય નેતાઓ આગામી 72 કલાકમાં નક્કી કરશે કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવા ફેરફાર કરવા. ખાસ કરીને છેલ્લા લાંબા સમયથી વિવાદોમાં રહેલા આનંદીબેન પટેલની વિદાય સુધીનો કઠોર નિર્ણય લઇ શકે છે.

દલિત અત્યાચારના મામલે સ્થિતિ તંગ બની છે અને રાજકારણીઓ રાજકીય લાભ ખાટવા દોડી રહ્યાં છે, ત્યારે આ સમગ્ર મામલો થાળે પાડવાની જવાબદારી ભાજપના પ્રદેશ પ્રમુખ અને સીનિયર મંત્રી વિજય રૂપાણીને સોંપાઇ છે. રાજ્યના ગૃહમંત્રી રજની પટેલ રાજકીય ખેંચતાણને લીધે બીમાર પડવાની ચર્ચા સાથે રૂપાણીએ ડેમેજ કન્ટ્રોલનું કામ શરૂ કર્યું છે. જોકે, ભાજપના અંગત સૂત્રો માની રહ્યાં છે કે, અમિત શાહના ખાસ એવા વિજય રૂપાણીને ડેમેજ કન્ટ્રોલર તરીકે ભૂમિકા સોંપવાનો આદેશ દિલ્હી દરબારથી કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ અને સંગઠનમાં રૂપાણીના વધતાં જતાં કદ અને 'બેન જાય છે'ની અટકળો વચ્ચે રૂપાણીની CM પદે તાજપોશી કરવામાં આવે તેવું મનાય છે.

 

છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન મામલે CM તરીકે આનંદીબેન પટેલની ભૂમિકા સામે સવાલો ઉભા હતા. આનંદીબેન પટેલની સરકારના એક વર્ષ બાદ ગુજરાતમાં ભાજપના ચુસ્ત મતદારો એવા પાટીદારોએ અનામત આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલન ઉગ્ર સ્વરૂપ પડક્યું હતું. ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપ વિરોધી પ્રચાર પાટીદારો દ્વારા થઇ રહ્યો હતો. આ સમયે પણ ગુજરાતની આનંદીબેન પટેલની સરકારે પાટીદારોને મનાવવા કે માંગણીઓ ઉકેલવા માટે કોઇ ચોક્કસ પગલાં ભર્યા નહીં. પરિણામે પાટીદારો ભાજપની સામે લડાયક બનીને આવી ગયા. બેનની સરકારમાં સામેલ પટેલ મંત્રીઓ પણ આ મુદ્દે ચૂપ બેસી ગયા હતા. આ આંદોલન હજુ પણ ચાલી રહ્યું છે. તેમ છતાં ગુજરાત સરકાર પાટીદારોને પોતાની સાથે લેવા કોઇ ચોક્કસ માર્ગ શોધી શક્યું નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close