વડોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો 3 દિવસમાં બીજી વખત એસિડ એટેક

Date:2016-07-24 15:24:28

Published By:Jayesh

વડોદરા: તું મારી સાથે પ્રેમસંબંધ બાંધ કહીને એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી અને તેની બહેન પર  ફરીથી એસિડ ફેંકતા ચકચાર મચી જવા પામી છે. જો કે બંને બહેનો ખસી જતા બંનેનો બચાવ થયો હતો. હજુ 3 દિવસ પહેલા જ આ યુવકે યુવતીના ઘરના દરવાજે એસિડ ફેંક્યું હતું.

ત્રણ દિવસ પહેલા સિદ્ધાર્થ પટેલ નામના યુવકે યુવતી પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે યુવતી અને તેની બહેન બચી ગયા હતા. ત્રણ દિવસ પહેલા સિદ્ધાર્થે ધમકી આપી હતી કે, "તારી બહેનને કહેજે કે, માનસીને કહેજે કે મારી સાથે પ્રેમ સંબંધ બાંધે નહીં તો એસિડ તેના મોઢા પર નાંખીશ." ત્યારબાદ ફરિયાદને પગલે પોલીસે સિદ્ધાર્થની ધરપકડ કરી હતી. પરંતુ તે જામીન પર છૂટી ગયો હતો. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શિવાંજલિ સોસાયટીમાં રહેતા આયુર્વેદિક તબીબ કમલેશ પટેલનો પુત્ર સિદ્ધાર્થ ફરીથી દિશા(નામ બદલ્યું છે)ના ઘરે પહોંચી ગયો હતો. તેની સાથે મોઢે રૂમાલ બાંધેલો તેનો મિત્ર પણ તેની સાથે હતો. આ સમયે ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેથી સિદ્ધાર્થે, "દિશા, મારી સાથે પ્રેમસંબંધ રાખ." તેવી બુમ પાડી હતી. જેથી બંને બહેનો ઘરની બહાર દરવાજા પાસે આવી ગઇ હતી. અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઇ ગઇ હતી.  

આ સમયે સિદ્ધાર્થે બંને બહેનો પર એસિડ ફેંકી દીધો હતો. જો કે બંને બહેનો ત્યાંથી ખસી ગઇ હતી. જેથી એસિડ નીચે પડ્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થે બંને બહેનોનો હાથ પકડીને તેઓને સાઇડમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી યુવક સિદ્ધાર્થ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.  આ મામલે યુવતીના પરિવારજનોએ માંજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close