MCA દ્વારા સુપ્રિમ કોર્ટના નિર્ણયનો કરાયો સ્વીકાર, અધ્યક્ષ પદ છોડશે પવાર

Date:2016-07-25 00:00:18

Published By:Jayesh

|મુંબઈ - તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે બીસીસીઆઈએ પોતાના પદાધિકારીઓ માટે 70 વર્ષની વયમર્યાદા નક્કી કરવી પડશે. આ મહત્વના ચુકાદા બાદ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ શરદ પવારે કહ્યુ છે કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનો સ્વીકાર કરે છે.

76 વર્ષીય પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે સેવાનિવૃત્તિ લીધા બાદ તેમને ઘણી ખુશી થશે. તેમણે કહ્યુ કે મુંબઈ ક્રિકેટ એસોસિએશને સુપ્રીમ કોર્ટની તમામ ભલામણોને સ્વીકારી લીધી છે. એમસીએને માત્ર બેથી ત્રણ મુદ્દાઓ પર કેટલાંક સ્પષ્ટીકરણ કરવાનીબાકી છે, જેમાં મહારાષ્ટ્રમાં ત્રણ ક્રિકેટ એસોસિએશન છે. તેમને રોટેશન પોલિસીને લઈને પણ વાંધો છે. શરદ પવારે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે તેઓ એમસીએના બંધારણને બદલવાની કોશિશ કરશે. તેના માટે એક સમિતિની રચના કરશે.

ઉલ્લેખનિય છે કે 2010થી 2012ના સમયગાળામાં શરદ પવાર આઈસીસીના અધ્યક્ષ અને 2005થી 2008 સુધી તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચુક્યા છે. ગત્ત સપ્તાહે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ આર. એમ. લોઢા સમિતિ દ્વારા બીસીસીઆઈમાં સુધારો કરવા માટેની મોટાભાગની ભલામણોને મંજૂરી આપી દીધી છે.

શરદ પવારનું નિવેદન ઘણું સૂચક માનવામાં આવે છે. બીસીસીઆઈની આર્થિક સ્થિતિ નબળી પડે નહીં તેનું સુપ્રીમ કોર્ટે ધ્યાન રાખ્યું છે. પરંતુ સિસ્ટમમાં ક્લિનઅપ માટેની તમામ ભલામણોને મંજૂરી આપી દીધી છે. આ તમામ ભલામણોને બીસીસીઆઈએ છ માસની અંદર લાગુ કરવાની છે અને તેની જવાબદારી સુપ્રીમ કોર્ટે જસ્ટિસ આર. એમ. લોઢાને જ આપી છે.

કમિટીની પહેલી ભલામણમાં કોઈપણ વ્યક્તિ 70 વર્ષની વય પાર કર્યા બાદ બીસીસીઆઈ અથવા રાજ્યના ક્રિકેટ એસોસિએશનના પદાધિકારી બની શકે નહીં. લોઢા સમિતિનું સૌથી મહત્વનું સૂચન છે કે એક રાજ્ય સંઘનો એક મત રહેશે અને અન્યને એસોસિએટ સભ્ય તરીકે રેલીગેટ કરવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close