હનીપ્રીતને લઈને સંગરૂર પહોંચી હરિયાણા પોલીસ

Date:2017-10-05 19:34:48

Published By:Jayesh

પંચકૂલા -

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની સજાના એલાન બાદ હિંસા ભડકાવવાની આરોપી હનીપ્રીતની પૂછપરછ કરવા માટે હરિયાણા પોલીસ ગુરૂવારે પંજાબ શહેરનાં સંગરૂરમાં લઈ ગઈ છે. હનીપ્રીતની સાથે તેની સાથી સુખદીપ પણ છે. આ પહેલા પોલિસ ગુરૂવાર સવારે તેમને પંચકૂલાના સેક્ટર-૨૦ પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. ત્યાંથી પોલીસ હનીપ્રીતને લઈને સંગરૂરનાં ભવાનીગઢ પોલીસ સ્ટેશન પહોંચી. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, હનીપ્રીત પૂછપરછ દરમ્યાન પોલીસને સહયોગ નથી આપી રહી. પોલીસ હવે તેનો નાર્કો ટેસ્ટ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હનીપ્રીતને પંચકુલાની કોર્ટમાં લાવવામાં આવી હતી. સલવાર સૂટ પહેરેલી હનીપ્રીતે મોંઢુ ઢાંકી રાખ્યું હતું. હનીપ્રીતના પહોંચતા પહેલા જ તેની બહેન અને વકીલ કોર્ટમાં પહોંચી ચૂક્યા હતાં. સુનાવણી દરમિયાન હરિયાણા પોલીસે હનીપ્રીતના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં. પોલીસે હનીપ્રીતના મોબાઈલની પણ માંગણી કરી છે.

પોલીસના જણાવ્યાં મુજબ હનીપ્રીતે હિંસાના દિવસે એ જ ફોનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં જ્યારે તે ફરાર હતી ત્યારે પણ તે તેના ફોન દ્વારા જ લોકોના સંપર્કમાં હતી. આ બાજુ હનીપ્રીતના વકીલે પોલીસની માગણીનો વિરોધ કર્યો હતો. હનીપ્રીતના વકીલ એસ કે ગર્ગે કહ્યું કે તેમના ક્લાયન્ટ પર કોઈ પણ પ્રકારે રાજદ્રોહનો કેસ બનતો નથી. સમગ્ર સુનાવણી દરમિયાન હનીપ્રીત કોર્ટના જજ સમક્ષ ખુબ ભાવુક બની ગઈ હતી. તે હાથ જોડીને રડી પડી હતી. તેણે પોતાને નિર્દોષ ગણાવી હતી. અત્રે જણાવવાનું કે રામરહીમને સજા સંભળાવ્યાં બાદ થયેલી હિંસામાં 30થી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં. રામરહીમની ધરપકડ બાદથી હનીપ્રીતને પકડવા માટે પોલીસે ઠેરઠેર છાપા માર્યા હતાં. ઉલ્લેખનીય છે કે સંગરૂર ડેરાપ્રેમીઓનો ગઢ ગણાય છે. બની શકે કે પોલીસ કોઈ લિંક જોડવા માટે ત્યાં ગઈ હોય. બપોરે 11.30 બાદ કાફલો સંગરૂરથી રવાના થઈ ગયો અને પોલીસ હવે હનીપ્રીત અને સુખદીપને ભટીંડા લઈ જઈ રહી છે. સુખદીપનું ઘર ભટિંડા પાસે છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ હનીપ્રીતે પોલીસથી બચવા માટે 15 મોબાઈલ નંબર વાપર્યા હતાં, વ્હોટ્સએપ કોલ કર્યાં. 30 લોકોના સંપર્કમાં રહી હતી. તેની પાસેથી ઈન્ટરનેશનલ નંબર પણ મળ્યાં છે જેની તપાસ ચાલુ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close