દુધાળા નજીક હાઇવે પર 300થી વધુ ખેડૂતોનો ચક્કાજામ, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા

Date:2017-10-12 10:11:50

Published By:Jay

રાજુલાઃ સોમનાથ ભાવનગર નેશનલ હાઇવેનું કામ જ્યારથી ચાલુ થયું છે ત્યારથી વિવાદ ઉભો થયો છે. અહીં અનેક વખત કોનટ્રાક્ટરો સાથે પણ ખેડૂતોને બોલાચાલી થઇ છે. અહીં જાફરાબાદ તાલુકાના દુધાળા ધોળાદ્રી, હેમાળ, છેલણા, ટીબી, નાગેશ્રી, મીઠાપુર સહીત આસપાસના ગામોની જમીનના પાકને નુકશાન થયું હોવાની ફરિયાદો ઉઠી છે. અહીં માર્ગ પર બેફામ ધૂળ ઉડવાના કારણે ખેડૂતના પાક નિષ્ફળ ગયા છે.

તાત્કાલિક 7 કિમિ માર્ગ રીપેરીંગ કરવાની રજુઆત કરી હતી. તેમ છતાં હાઇવે ઓથોરિટીએ ધ્યાન નહીં આપ્યું ઉપરાંત પોલીસને બોલાવી દબાવવાનો પ્રયાસ કરાયો હતો. જેને લઇને ખેડૂતો રોષે ભરાયા હતા. આજે દુધાળા ગામ નજીક 300 જેટલા ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કરી ધરણાં શરૂ કરી દીધા હતા. ઘટનાને પગલે અહી ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી હતી. ખેડૂતોને સમજાવટ કરી રહી હતી.

જો કે ખેડૂતો અહીં એકના બે થયા નહીં અંતે જાફરાબાદ મામલતદાર ચૌહાણ દોડી આવ્યા અને ખેડૂતોને ખાતરી આપ્યા બાદ ખેડૂતો માન્યા હતા. મામલતદાર દ્વારા એક દિવસમાં હાઇવેવાળા અધિકારીની ટીમો સાથે અહીં મોકલાવીશ ઉપરાંત ખેડૂતો સાથે બેઠક કરી તાત્કાલિક સ્થળ પર નિકાલ કરવાની ખાતરી આપતા આ આંદોલન સમેટાયું હતું.


જો કે અહીં વહેલી સવારથી કલાકો સુધી આ મામલો ચાલ્યો હતો પોલીસે પણ જાણે કોઈ ઘર્ષણ હોય તેમ અહીં ધાડેધાડા ઉતારી દેવાયા હતા. ખેડૂતોને પણ કોઈપણ રીતે દબાવવાનો પ્રયાસ થતો હોય તેવું લાગી રહ્યું છે. અહીં નેશનલ હાઇવે વાળાની દાદાગીરી પણ હોવાની ફરિયાદો ઉઠી છે. કોઈ ખેડૂત રજુઆત કરે તો નાગેશ્રી પોલીસ તાત્કાલિક આવી ઉઠાવી અટકાયત કરી લે છે. આ પ્રકારનો કાયદો કોન્ટ્રાક્ટરોના હાથમાં જોવા મળી રહ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close