કોંગ્રેસ પ્રમુખ બન્યાં બાદ પ્રથમ વિદેશ યાત્રા, રાહુલ ગાંધી બહરીન પહોંચ્યા

Date:2018-01-08 11:49:04

Published By:Jay

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સોમવારે સવારે બહરીન પહોંચ્યા છે. પાર્ટી અધ્યક્ષ બન્યાં પછી રાહુલ ગાંધીની પ્રથમ વિદેશ યાત્રા છે. રાહુલને મળવા માટે એરપોર્ટ પર ઘણી ભીડ જોવા મળી હતી. સિક્યોરિટી સ્ટાફે રાહુલને ઘણી મુશ્કેલી બાદ કાઢ્યા હતા. કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલનું બહરીનમાં શાનદાર વેલકમ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રેસિડન્ટ બન્યાં પછી રાહુલ ગાંધીની સામે બે એસેમ્બલી ઈલેકશન આવ્યાં પરંતુ બંને રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે. રાહુલ અહીં NRIના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યાં છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, રાહુલ જેવાં કિંગડમ ઓફ બહરીન પહોંચ્યા તો ત્યાં પહેલેથી મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે ઉપસ્થિત હતા. કેટલાંક લોકોએ સૂત્રોચ્ચારો કરીને રાહુલનું વેલકમ કર્યું. જે બાદ રાહુલ એરપોર્ટ લોબીમાં પહોંચ્યા તો તેને મળવા અને તેમની સાથે સેલ્ફી લેવા લોકોમાં ભારે હોડ જોવા મળી હતી. દરમિયાન રાહુલની સાથે હાજર એસપીજીને તેમને ત્યાંથી અન્ય સ્થળે લઈ જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસ પ્રેસિડન્ટ તરીકે વરાયાં બાદ રાહુલ ગાંધીની પ્રથમ વિદેશ યાત્રા છે. માનવામાં આવે છે કે રાહુલ મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરી શકે છે. જો કે અંગે હજુ સુધી કોઈ જાણકારી કોંગ્રેસ દ્વારા નથી આપવામાં આવી. એરપોર્ટ પર 'ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ્સ ઓફ ઈન્ડિયન ઓરિજન' કે GOPIOના મેમ્બર્સ હાજર હતા. રાહુલ ગાંધી બહરીન એરપોર્ટ પર પહોંચ્યા તે બાદ કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં રાહુલ ગાંધી લોકો વચ્ચે ઘેરાયેલાં નજરે પડે છે. વીડિયોની સાથે કેપ્શન લખવામાં આવી છે કે બહરીનમાં રાહુલનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું.

બહરીન રવાના થયાં તે પહેલાં રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, "NRI આપણી તાકાત અને રિપ્રેઝેન્ટેટિવ તેમજ વિશ્વમાં આપણાં એમ્બેસેડર હોય છે. હું આપણાં દેશના લોકોને મળવા અને તેમની સામે સ્પીચની રાહ જોઈ રહ્યો છું."

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close