પીએમ મોદીની ઓફિસને ફટકારવામાં આવ્યો રુ. 5000નો દંડ

Date:2018-01-18 11:55:48

Published By:Jay

લખનઉ: અલ્હાબાદ હાઈકોર્ટે પીએમ ઓફિસને પાંચ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટમાં કરવામાં આવેલી એક જાહેર હિતની અરજી મામલે પાઠવવામાં આવેલી નોટિસનો સમયસર જવાબ આપવા બદલ કોર્ટે પીએમઓને દંડ કર્યો છે. પીઆઈએલમાં સીએજી રિપોર્ટ મામલે લેવાયેલા પગલાં સંદર્ભે કરવામાં આવી હતી.

જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ અબ્દુલ મોઈનની બેંચે સુનિલ કાંડુ નામના અરજદાર દ્વારા ફાઈલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરતા પીએમ ઓફિસને દંડ ફટકાર્યો હતો. પીઆઈએલમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે સીએજીના માત્ર 10 રિપોર્ટ્સ ધ્યાને લીધા છે, અને બાકીના રિપોર્ટ્સની અવગણના કરી છે.

કોર્ટે પીઆઈએલની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પીએમઓને 1 ઓગસ્ટ 2017ના રોજ પોતાનો જવાબ આપવા માટે આદેશ અપાયો હતો. જોકે, 9 જાન્યુઆરીએ જ્યારે સુનાવણી હાથ ધરાઈ ત્યાં સુધી પીએમઓ દ્વારા કોર્ટને કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો.

સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસબી પાંડેએ વધુ સમય માગ્યો હતો. કોર્ટે તેમને વધુ ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ તેની સાથે પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

મહત્વનું છે કે, સીએજી કેન્દ્ર સરકારને દર વર્ષે પાંચ હજાર જેટલા રિપોર્ટ્સ સુપ્રત કરે છે. જેમાં સરકાર દ્વારા વિવિધ કાર્યો પાછળ કરવામાં આવેલા ખર્ચાનું ઓડિટ કરાય છે. સરકાર કેટલી કાર્યક્ષમતાથી કામ કરી રહી છે, તેમજ ક્યાં ખોટો ખર્ચ થઈ રહ્યો છે, ક્યાં ફંડ નથી વપરાયું, ક્યાં પૈસા ખર્ચ થવા છતાં કોઈ પરિણામ મળ્યું જેવા વિવિધ પાસા સીએજીમાં આવરી લેવામાં આવે છે.

યુપીએ સરકારમાં થયેલા કથિત 2G કૌભાંડ તેમજ કોલસા કૌભાંડ પણ સીએજી રિપોર્ટ દ્વારા બહાર આવ્યા હતા. મોદી સરકારના શાસનમાં પણ સીએજીએ ગંગા શુદ્ધિકરણના પ્રોજેક્ટથી લઈને અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં ફંડ વપરાયું હોવાની તેમજ યોગ્ય કામગીરી થઈ હોવાની ટિપ્પણી કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close