હવામાનમાં પલટો, રાજ્યમાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ને હજુ ક્યાં પડશે?

Date:2018-02-06 10:46:07

Published By:Jay

અમદાવાદઃ રાજસ્થાનમાં સક્રિય થયેલી સર્ક્યુલેશન સિસ્ટમને પગલે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાતાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા છે.

બીજી તરફ આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયો માહોલ યથાવત રહેવાની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં અમીછાંટણા થવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પંચમહાલ, દાહોદ, સુરત,વલસાડ દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર-પૂર્વીય ગુજરાતમાં વરસાદી ઝરમર કે અમીછાંટણાંની સંભાવના છે.

વાદળોના કારણે રાત્રિનુ તાપમાન ઘટ્યું છે પણ વહેલી સવારે ઠંડી વધી છે. બીજી તરફ ફેબ્રુઆરી સુધી વાદળછાયી સ્થિતિ યથાવત રહેવા સહિત ૧૦મી સુધી તેની અસરો વર્તાવાની સંભાવનાઓ વચ્ચે પંચમહાલ, દાહોદ, સુરત,વલસાડ દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર-પૂર્વીય ગુજરાતમાં વરસાદી ઝરમર કે અમીછાંટણાની સંભાવના છે.

અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને પગલે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો હતો અને સવારે ઠંડા પવનોનો અનુભવ થયો હતો. માવઠાને લઈ શાકભાજી, જીરૃ, વરિયાળી, ચણા અને ઘઉંના પાકને નુકસાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે.

વાદળછાયા વાતાવરણને લઈ કેરીના પાકને મોટુ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહીં છે. હાલ આંબા ઉપર મ્હોર બેસવાની સાથે બોર જેવી કેરીઓ પણ બની ગઈ છે. વાદળછાયા વાતાવરણને લઈ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે. માવઠું થશે તો મ્હોર ખરી પડવાની સાથે નાની કેરીઓ પણ તૂટી પડશે.

વાતાવરણમાં પલટો આવતાં રવી પાક ઉપર ગંભીર અસર પડવાની દહેશત છે જેમાં શાકભાજી પણ બાકાત નથી. કોબીઝ, ફુલાવરની હાલ બમ્પર સિઝન ચાલી રહીં છે તેવા સમયે માવઠાને લઈ શાકભાજીના વાવેતર ઉપર જીવન નિર્વાહ કરનારા ખેડૂતોને મોટો ફટકો પડવાની ભીતિ સેવવામાં આવી રહીં છે.

Cricket Score

WhatsApp Registraltion

Close