વસોના નવા ગામે જર્જરિત પંચાયત મકાનના પ્રશ્ને કોન્ટ્રાક્ટરને નોટિસ

Date:2018-05-16 17:05:13

Published By:Jay

નડિયાદ-વસો તાલુકાનાં નવાગામે પંચાયતનું નવું મકાન બનાવવા માટે જિલ્લા પંચાયતમાંથી મંજૂરી મળી હતી. ૨૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામનું હાલનું પંચાયતી ગૃહ અત્યંત જર્જરીત હાલતમાં છે. ૭ મહિના અગાઉ તેના નવા મકાનનાં નિર્માણની મંજૂરી મળી હતી. જેનું ટેન્ડર હરી કન્સટ્રક્શન દ્વારા પાસ કરાવવામાં આવ્યું હતું.

કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા ભાવનાં ટેન્ડરમાં મંજૂરી મેળવાયા બાદ પણ મકાનનાં નિર્માણની કામગીરી શરૃ કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી રહ્યોં છે. ગ્રામસભાનાં સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત હોદ્દેદારો અને સભ્યોને પંચાયતનાં જર્જરીત મકાનની બહાર પોતાની કામગીરી કરવાની ફરજ પડી રહી છે. ગ્રામજનો દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરવામાં આવી હતીં. ગ્રામજનોનો આક્ષેપ છે કે, જિલ્લા પંચાયત દ્વારા હરી કન્સટ્રક્શનને પંચાયત બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં પાંચ જેટલાં ગામોની પંચાયતો બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

આ બાદ ત્રણ ગામોમાં પંચાયતનાં નવા મકાન બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. જ્યાં બે ગામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા કારણો દર્શાવી ગામોમાં ગ્રામ પંચાયતનાં ગૃહ બનાવવાની કામગીરી અટકાવવામાં છે. નવાગામમાં નવું મકાન બનાવવાં માટે જમીન ન હોવાનું કારણ દર્શાવાયું છે. જેના કારણે ગ્રામજનોએ કારણ ખોટું ઠેરવી કોન્ટ્રાક્ટરની નીયત સામે પ્રશ્નો ઉભા કર્યાં છે. અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાકીદે નિરાકરણ લાવવા માંગ કરી હતી.  સમગ્ર ઘટના અંગે જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક સાધતા સિનિયર ક્લાર્ક કે.કે.સોલંકીએ જણાવ્યું હતું કે, ઘટના ધ્યાનમાં આવી છે. અને હરી કનસ્ટ્રક્શનને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે. તેમજ તાકીદે ગ્રામજનોની સમસ્યાનું નિવારણ લાવવા માટે પ્રયત્નો કરાશે.

Cricket Score

WhatsApp Registraltion

Close