મુઝફ્ફરપરકાંડ પર રાજકીય સંગ્રામ, આજે દિલ્હીમાં તેજસ્વી યાદવ કરશે રેલી-પ્રદર્શન
Date:2018-08-04 12:41:50
Published By:Jayesh
નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુરમાં બાળકીઓ સાથે થયેલી શરમજનક ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. અને બિહારની ઘટનાનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો છે. RJDના ધારાસભ્ય તેજસ્વી યાદવ આજે રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર નીતિશ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરશે. તેમના આ વિરોધમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બીજા વિપક્ષી દળના નેતાઓ સામેલ થઈ શકે છે.
નીતિશ કુમારના જવાબથી વિપક્ષ સંતુષ્ટ નહીં :
દેશમાં ઉહાપોહ ઊભો કરનારા યૌન શોષણ કાંડ પર શુક્રવારે પહેલી વખત મુખ્યમંત્રી નીતિશ કુમારે મૌન તોડ્યું હતું અને તેને શરમનો વિષય ગણાવ્યો હતો.નીતિશ કુમારે આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જેઓ દોષિત છે તેમને છોડવામાં નહીં આવે. પરંતુ વિપક્ષ નીતિશ કુમારના આશ્વાસનથી સંતુષ્ટ નથી. તેજસ્વી આ કાંડને બહાને નીતશ સરકારને ઘેરવાના પ્રયાસમાં છે.
અત્યાર સુધી 10ની ધરપકડ :
ટાટા ઈન્સ્ટિયૂટ ઓફ સોશિયલ સાયન્સ- મુંબઈ દ્વારા એપ્રિલમાં રાજ્યના સમાજ કલ્યાણ વિભાગને એક ઓડિટ રિપોર્ટ સોંપાયો હતો જે બાદ આ મામલો સૌપ્રથમ વખત સામે આવ્યો હતો.આ મામલે 31 મેનાં રોજ 11 લોકો વિરૂદ્ધ એક પ્રાથમિક ફરિયાદ દાખલ કરાઈ હતી. જે બાદ આ કન્યા ગૃહના સંસ્થાપક બ્રજેશ ઠાકુર સહિત 10 લોકોની 3 જૂને ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં બિહાર સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માનું પણ નામ આવી રહ્યું છે, જેના પર વિવાદ જોવા મળી રહ્યો છે.આ મામલે પકડાયેલાં જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી રવિ રોશનની પત્નીએ આરોપ લગાવ્યો છે કે મંત્રીના પતિ ચંદ્રશેખર વર્મા વારંવાર કન્યા ગૃહમાં જતા હતા.તો પીડિત બાળકીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ત્યાં કોઈક મોટા પેટવાળો નેતા પણ આવતો હતો. આ આધારે જ વિપક્ષ મંજૂ વર્માના રાજીનામાની માગ કરી રહ્યાં છે. જો કે તેઓ પોતાના પતિને નિર્દોષ ગણાવે છે.