લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે બદલાવ, પૂજારા સહિત 3 ખેલાડીને મળી શકે છે તક

Date:2018-08-08 14:28:46

Published By:Jayesh

લોર્ડ્સ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 ઓગસ્ટથી ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 31 રને પરાજય થયો હતો. બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કેટલાક બદલાવ કરી શકે છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ટેસ્ટના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.

ટીમ ઇન્ડિયામાં થશે બદલાવ : 
બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને જોતા ટીમ ઇન્ડિયામાં બદલાવ જોવા મળી શકે છે. ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મુરલી વિજય બન્ને ઇનિંગમાં રન બનાવી શક્યા નહતા. લોકેશ રાહુલ, અજિંક્ય રહાણે અને વિકેટકીપર દિનેશ કાર્તિક પણ ફ્લોપ રહ્યાં હતા. એવામાં કેપ્ટન વિરાટ કોહલી ચેતેશ્વર પૂજારા, કરૂણ નાયર જેવા બેટ્સમેનોનો સમાવેશ કરી શકે છે.

ચેતેશ્વર પૂજારા : 
પ્રથમ ટેસ્ટમાં પૂજારાને ટીમમાં સામેલ કરવામાં ના આવતા વિરાટ કોહલીની ટિકા થઇ હતી. જે બાદ મિડલ ઓર્ડરના સ્ટાઇલિશ બેટ્સમેનની પસંદગી પર ચર્ચા કરવામાં આવી છે. રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી ગણાતા પૂજારાની જગ્યાએ લોકેશ રાહુલને ટીમમાં તક મળી હતી. જોકે રાહુલ માત્ર 17 રન જ બનાવી શક્યો હતો. ચેતેશ્વર પૂજારા 58 ટેસ્ટ રમી ચુક્યો છે અને 50.34ની એવરેજથી 4531 રન બનાવ્યા છે. જેમાં 206 તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. એવામાં વિરાટ કોહલી પૂજારાને સામેલ કરી કોઇ એક બેટ્સમેનને મેચની બહાર કરી શકે છે.

કરૂણ નાયર :
અજિંક્ય રહાણે સતત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. અજિંક્ય રહાણેની જગ્યાએ ટીમમાં કરૂણ નાયરનો સમાવેશ થઇ શકે છે. 26 વર્ષીય આ ખેલાડીએ 6 ટેસ્ટ મેચમાં 60ની એવરેજથી 374 રન બનાવ્યા છે. 6માંથી 3 ટેસ્ટ મેચ કરૂણ નાયરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી છે, જ્યાં તેની એવરેજ 160ની છે. નાયરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી (2016માં 303 અણનમ) ફટકારી હતી. કરૂણ નાયર એક એવો બેટ્સમેન છે જે મિડલ ઓર્ડરને મજબૂત બનાવી શકે છે.

રવિન્દ્ર જાડેજા :
એજબેસ્ટન ટેસ્ટમાં વિરાટ કોહલી 4 ફાસ્ટ બોલર અને એક સ્પિનર સાથે મેદાન પર ઉતર્યો હતો. લોર્ડ્સમાં વાતાવરણ અને પિચને જોતા કોહલી વધુ એક સ્પિનરને સામેલ કરી શકે છે. વિદેશમાં 10 ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા 34 વિકેટ ઝડપી ચુક્યો છે. આ સિવાય જાડેજાએ 25ની એવરેજથી રન પણ બનાવ્યા છે. અશ્વિન બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો જો કે તેને શાનદાર બોલિંગ કરી હતી. એવામાં અશ્વિન સાથે કોહલી જાડેજાને ટીમમાં સામેલ કરી શકે છે

Cricket Score

WhatsApp Registraltion

Close