પરપ્રાંતીયો પર હુમલાઃ બગડશે દશેરા-દિવાળી, રિયલ એસ્ટેટ-ફૂડ સહિતની ઈન્ડસ્ટ્રીઝની માઠી દશા

Date:2018-10-09 15:13:52

Published By:Jay

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 7 દિવસથી પરપ્રાંતીયો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. જેને પગલે ગુજરાતમાં ફરીવાર દહેશતનો માહોલ ઊભો થયો છે. મજૂરો-કામદારો માટે કાર્યરત વિવિધ સંગઠનોના દાવા મુજબ, અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ સ્થળેથી લગભગ 1 લાખ પરપ્રાંતીયો રોજીરોટી છોડી હિજરત કરી ગયા છે. સંજોગોમાં કામદારોના રોજગારને તો ફટકો પડયો છે સાથે સાથે ગુજરાતના વેપાર-ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ગુજરાતમાં અસંગઠીત ક્ષેત્રના બે કરોડ કામદારો છે, જેમાંથી લગભગ 50 લાખ પરપ્રાંતીય કામદારો છે. માત્ર એટલું નહીં, ફરસાણ, મીઠાઈ, રિયલ એસ્ટેટ તથા ગૃહ ઉદ્યોગો પર પણ તેની માઠી અસર થઈ છે. આમ પરપ્રાંતીયોની હિજરતને કારણે લોકોના દશેરા-દિવાળી બગડી શકે છે.

તેમજ શહેરથી લઈ ગામડાઓમાં પાણીપુરી અને પકોડીના ધંધાઓ પણ બંધ થઈ ગયા છે. જેના કારણે પકોડીના સ્વાદ પ્રેમીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ દશેરા અને દિવાળી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ હાલ મીઠાઈના દુકાનદારોએ માલ ભરી લીધો છે, પરંતુ કારીગરોના અભાવે મીઠાઈ બનવી મુશ્કેલ છે.

રાજ્યના ધંધા-રોજગારને અસર થતાં સ્થાનિક અને પરપ્રાંતીય મળીને અત્યારે 15 લાખ કામદારો અસરગ્રસ્ત બન્યા છે. એક તરફ ગુજરાત સરકાર ઉદ્યોગોને આકર્ષવા માટે વાઈબ્રન્ટ સમિટ યોજે છે, તો બીજી તરફ કામદારોની સલામતી જાળવવામાં નિષ્ફળ જઈ રહી છે.

સોશિયલ મીડિયા પર સોમવારે બંધના એલાનની અફવા ફેલાતા છેલ્લા બે દિવસમાં મોટી સંખ્યામાં સાણંદ, બાવળા, ચાંગોદરમાં આવેલાં ઔદ્યોગિક વિસ્તારોની નજીકના ગામોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના વતન તરફ પલાયન કરી ગયા છે. જોકે, પરપ્રાંતીયોને રોકવા માટે સ્થાનિક અગ્રણીઓએ કવાયત શરૂ કરી દીધી છે. બોળ, મોતીપુરા, ચરણ, છારોડી જેવા ગામોમાં પરપ્રાંતીયોની સંખ્યા આશરે 25 હજારની આસપાસ હતી, જેમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે અને વતન જતાં રહ્યા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close