અમદાવાદ પોલીસને વગદારોનો ડર, પૂર્વમાં જ ફટાકડાના કેસ કર્યા પશ્ચિમમાં ડરી ગઇ

Date:2018-11-07 10:09:03

Published By:Jay

અમદાવાદઃ ફટાકડા ફોડવા સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કર્યા બાદ અમદાવાદ પોલીસે પ્રતિબંધ તો ફરમાવી દીધો છે. પરંતુ તેના અમલમાં ભારોભાર ભેદભાવ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત તો છે કે પોલીસે માત્ર પૂર્વમાં ફટાકડા ફોડવા અંગેના કેસ કર્યા છે. પશ્ચિમના વિસ્તારોમાં પણ જાહેરાનામાનો ભંગ કરી રાતના 10 વાગ્યા બાદ પણ બેફામ ફટાકડા ફૂટે છે. માત્ર એટલું નહીં, જાહેર રસ્તા પર પણ ફટાકડા ફોડવામાં આવે છે. આમ છતાં પશ્ચિમના વિસ્તારોમાં વગદાર, વૈભવી, શ્રીમંત, કનેક્શનવાળા લોકો હોવાથી પોલીસની કેસ કરવાની હિંમત નથી ચાલતી. જ્યારે પણ ધોંસ બોલાવવાની હોય, કાયદો બતાવવાનો હોય ત્યારે ગરીબ વર્ગના લોકો પર કાયદાનો કોરડો વીંઝે છે, પણ પશ્ચિમમાં જાણે શહેરની પોલીસ થરથર કાંપે છે!

દિવાળી નિમિત્તે ફટાકડા ભારે પ્રમાણમાં ફૂટતા હોવાથી પ્રદૂષણ વધે તે રોકવા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મર્યાદિત સમયમાં ફટાકડા ફોડવાનો હુકમ કર્યો. તેના પગલે શહેરના પોલીસ કમિશનરે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી ફટાકડા ફોડવાના સમય નક્કી કર્યા. નિયમનો અમલ કરાવવો ઘણો અઘરો તો છે પરંતુ તેનો અર્થ નહીં કે પોલીસ માત્ર ગરીબોને રંજાડે ફટાકડા ફોડવાને લઇ પૂર્વના વિસ્તારમાં કેસ થયા છે. જ્યારે પશ્ચિમમાં બે કેસ નોંધાયા છે.

વસ્ત્રાપુરમાં પોલીસ કંટ્રોલમાં ફોન થયો એટલે ના છૂટકે કેસ કરવો પડયો હતો. જ્યારે બીજો કેસ ગુલબાઈ ટેકરાં પાસે નોંધાયો છે. પૂર્વમાં અમરાઈવાડી આઝાદ ચોક નજીક એક શખ્સ ફટાકડા ફોડતા વિષ્ણુ મંગાજી ઝાલા, શાકમાર્કેટ નજીક બળદેવભાઇ ચતુરભાઇ પટેલ, શાહિબાગમાં ફટાકડા ફોડતો એક, રામોલ અને ખોખરામાં ફટાકડા ફોડવા અંગેના કેસો થયા છે. તેવામાં પશ્ચિમ વિસ્તારમાં ફક્ત એક કેસ વસ્ત્રાપુરમાં નોધાયો છે. થલતેજના હીરઓમ પાર્કમાં રહેતા મેહુલ મહેન્દ્ર પટેલ સામે ફટાકડા ફોડવાનો ગુનો નોધાયો હતો. તેમાં પણ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફરિયાદ થતાં ફટાકડા ફોડનાર શખસને પકડવામાં આવ્યો હતો.

તેવામાં પોલીસની પોલ ત્યાં પણ ખૂલી જાય છે કે, શહેરમાં ફટાકડાના મોટા વેપારીઓ દુકાનોમાં કોઇ ફાયર સેફ્ટી પ્રમાણે પાણીની ડોલ કે પાણીના કેરબા રાખતા નથી અને પોલીસ દ્વારા આટલા દિવસમાં એક પણ મોટા વેપારીને પકડવામાં આવ્યો નથી.

ફટાકડાના મોટા વેપારીઓ પાસે નિયમ કરતા વધારે ફટાકડાનો સ્ટોક હોવાની અનેક ફરિયાદો છે તેમ છતાં શહેર પોલીસ દ્વારા એક પણ મોટા વેપારીના ત્યાં તપાસ સુદ્ધાં પણ કરવામાં આવી નથી. સેટેલાઇટ, ઘાટલોડિયા, શાહપુર, ખાડીયા, સરદારનગર, શહેરકોટડા સહિતના વિસ્તારમાં અનેક મોટા વેપારીઓ છતાં એક પણ વેપારી પર કાગળ ઉપર પણ દેખાડા પૂર્તિ પણ કાર્યવાહી કરવામાં આવતા જાહેરનામું ફ્કત નાના વેપારીઓ માટે હોવાની ચર્ચા ઊઠવા પામી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close