જસદણ પેટા ચૂંટણીઃ બાવળિયાનો ઓડિયો સામે આવ્યા બાદ હવે કોંગ્રેસના FB પેજ હેક થયા!

Date:2018-12-06 15:02:47

Published By:Jay

રાજકોટઃ હાલ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તરફથી જોર શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ માટે બેઠક જીતવી પ્રતિષ્ટાનો જંગ છે. કારણ કે ઉમેદવાર તરીકે તેમના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે. એટલું નહીં ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે ફટકો પડ્યો હોવાથી ભાજપ કોઈ પણ કાળે બેઠક ગુમાવવા માંગતી નથી. બુધવારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ અપક્ષ ઉમેદવારને વધારે મતો તોડવા જણાવી રહ્યા હતા. બીજી તરફ હવે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તેમના બે ફેસબુક પેજને હેક કરવામાં આવ્યા છે.

જસદણ કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચાર માટે બે ફેસબુક પેજ બનાવવામાં આવ્યા હતા. બંને પેજ કોઈ હેકરે હેક કરી લીધા છે. કોંગ્રેસ તરફથી એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે બંને પેજ ભાજપ તરફથી હેક કરવામાં આવ્યા છે. એટલું નહીં હેકરે બંને પેજને ડિલિટ કરી નાખ્યા છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

કોંગ્રેસ તરફથી બનાવવામાં આવેલું એક ફેસબુક પેજ તા. 5મી ડિસેમ્બરના રોજ સવારે 10:14 વાગ્યે હેક કરવામાં આવ્યું છે. હેકરે પેજને હેક કરીને પેજના માલિકને એડમિન તરીકેથી હટાવી દીધો હતો. બાદમાં પેજને ડિલિટ કરી નાખવામાં આવ્યું હતું.

જસદણ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનું આખું ચીત્ર આજે એટલે કે છઠ્ઠી ડિસેમ્બરના રોજ સ્પષ્ટ થશે. જસદણ બેઠક પર કુલ 15 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે. આજે ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે ચાર જેટલા અપક્ષ ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે.

રાજ્યના ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં ફોર્મની ચકાસણી કર્યા બાદ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અંતિમ ઉમેદવારોના નામની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બેઠક ખાલી પડી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close