તણાવ વચ્ચે કોરિડોરના ડ્રાફ્ટ એગ્રીમેન્ટ પર ચર્ચા માટે પાકિસ્તાન એક ટીમ ભારત આવશે

Date:2019-03-06 10:57:13

Published By:Jay

ઈસ્લામાબાદ: તણાવ હોવા છતા પાકિસ્તાન ભારત સાથે કરતારપુર કોરિડોર વિશે વાતચીત ચાલુ રાખવા માગે છે. પાકિસ્તાનના વિદેશ વિભાગે મંગળવારે કહ્યું કે, કોરિડોરના સમજૂતી મુદ્દે ચર્ચા માટે એક ટીમ 14 માર્ચે ભારત આવશે. 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલો અને 26 ફેબ્રુઆરીએ ભારતની એર સ્ટ્રાઈક પછી બંને દેશોના સંબંધોમાં ઘણો તણાવ આવી ગયો છે. આ દરમિયાન તણાવને ઓછો કરવા માટે આ મુલાકાત કરવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.

કોરિડોર બન્યા પછી સિખ તીર્થયાત્રી કોઈ પણ વિઝા વગર પાકિસ્તાનમાં આવેલા કરતારપુરના ગુરુદ્વારામાં જઈ શકશે. ગયા વર્ષે નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાને પોતપોતાના તરફથી કોરિડોરની આધારશિલા મુકી હતી. 28 નવેમ્બર 2018માં પાકિસ્તાનના એક કાર્યક્રમમાં ભારતના બે કેન્દ્રીય મંત્રી અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સામેલ થયા હતા.

પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ભારતના કાર્યવાહક ઉચ્ચાયુક્ત ગૌરવ અહુવાલિયાને બોલાવીને ટીમની મુલાકાત વિશે માહિતી આપી હતી. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને ભારતમાં પાકિસ્તાનના ઉચાયુક્ત સોહેલ મહેમૂદ ટૂંક સમયમાં દિલ્હી આવશે.

ફૈસલના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ 14 માર્ચ 2019ના રોજ ભારત આવશે. ત્યારપછી ભારતનું ડેલિગેશન 28 માર્ચે ઈસ્લામાબાદ જશે. તેમાં કરતારપુરના ડ્રાફ્ટ એગ્રીમેન્ટ વિશે ચર્ચા કરવામાં આવશે. ફૈસલે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાન દર અઠવાડિયે મિલેટ્રી ઓપરેશન્સ પર ડિરેક્ટોરેટ લેવલની વાતચીત કરવા માટે તૈયાર છે.

Cricket Score

WhatsApp Registraltion

Close