ચીનની અવળચંડાઈ,વધુ એક વાર વીટો પાવર વાપરીને અઝહર મસૂદને બચાવ્યો

Date:2019-03-14 10:22:20

Published By:Jay

બેજિંગઃ આખરે ચીને તેની કાયમી લુચ્ચાઈ વાપરી લીધી છે અને જૈશ-એ-મહંમદના કુખ્યાત આતંકવાદી અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા અંગેના પ્રસ્તાવ સામે વિટો પાવર વાપરીને તેને બચાવી લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિની બેઠકમાં મસૂદને આતંકવાદી જાહેર કરવા અંગે 27 ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવ મૂકાયો હતો, જેને બુધવારે (ભારતીય સમય મુજબ) મોડી રાત્રે ચીને વિટો પાવર વાપરીને ખારિજ કર્યો છે. ચીનના આ પગલાં સામે ભારત ઉપરાંત અમેરિકાએ પણ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.

પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા અંગેના ભારતના પ્રસ્તાવને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સમર્થન આપ્યું હતું. આમ છતાં છેલ્લી ઘડીએ ચીને વિટો પાવર વાપરીને આડકતરી રીતે આતંકનું સમર્થન કરી દીધું છે. આ અગાઉ 2016 અને 2017માં પણ ચીને વિટો પાવર વાપરીને મસૂદને બચાવી લીધો હતો.

ચીનના પગલાં સામે ભારતીય વિદેશ મંત્રાલયે તરત પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'અમને ભારે નિરાશા ઉપજી છે. પરંતુ અમે મસૂદને આતંકવાદી ઘોષિત કરવા અંગેના તમામ પ્રયાસો જારી રાખશું.' સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના કાયમી ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દિને પણ ટ્વિટ કરીને ભારતના પ્રયાસમાં યોગદાન આપનાર સૌ કોઈનો આભાર માન્યો છે.

અગાઉ ચીનના વિદેશમંત્રી કોંગ યુઆનયુએ તેમના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ઈમરાનખાન ઉપરાંત જનરલ બાજવા સાથે પણ મીટિંગ કરી હતી. એ પછી તરત જ ચીનના પ્રવક્તાએ મોળો સૂર વ્યક્ત કરવા માંડ્યો એથી ચીન ફરી એકવાર આતંકવાદીને છાવરશે એ સ્પષ્ટ થઈ ગયું હતું. એ બેઠકમાં થયેલી ચર્ચા અંગે કોઈ વિગતો જોકે બહાર નથી આવી, પરંતુ ચીનના વિદેશમંત્રી પાક.ના સરસેનાપતિ સાથે બેઠક કરે એ જોતાં નિશ્ચિતપણે એ અઝહર મસૂદ અંગે જ હોઈ શકે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close