વડોદરામાં પબજી અને મોમો ચેલેન્જ રમવા પર પોલીસે 1 મહિનાનો પ્રતિબંધ મૂક્યો

Date:2019-03-14 11:46:42

Published By:Jay

વડોદરાઃ બાળકો અને યુવાઓમાં હિંસક વૃત્તિઓ વધારતી પબજી અને મોમો ચેલેન્જ ગેમ પર પોલીસ કમિશ્નરે એક મહિના માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. હુકમનો ભંગ કરનાર લોકો પર જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવશે.

માનસિક પીડાની ચેલેન્જ આપતી બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ બાદ પબજી અને મોમો ચેલન્જ ગેમ પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. આ બંને ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળે છે તેમજ તેમના અભ્યાસ પર પણ અસર થાય છે. આ ગેમની અસરથી બાળકો તેમજ યુવાઓના વ્યવહાર, વર્તન,વાણી અને વિકાસ પર પણ અસર પડે છે. પબજી ગેમના વ્યસની બની ગયેલા બાળકો ગૃહત્યાગ કર્યા હોવાના પણ બનાવો બની રહ્યા છે. 

પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતે શહેરી વિસ્તારમાં જાહેર સલામતિ તેમજ સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે 13 માર્ચથી 12 એપ્રિલ સુધી પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોઇપણ વ્યક્તિ આ ગેમ રમવાની ગતિવિધીમાં ભાગ લેતો હોવાનું ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પણ અનુરોધ કર્યો છે.

કમિશ્નરે જાહેરનામામાં એવું પણ જણાવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર ઇપીકો કલમ 188 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમણે પીએસઆઇ તેમજ તેની ઉપરની કક્ષાના અધિકારીઓને આ એક્ટ હેઠળ ગુનો નોંધવા અધિકૃત પણ કર્યા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close