મેદાનમાં ધસી જતાં ધોનીને 50 ટકા મેચ ફીનો દંડ

Date:2019-04-12 17:18:38

Published By:Jay

આઈપીએલની 25મી મેચ ખૂબ ચર્ચામાં આવી છે. જયપુર સ્થિત સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ હતી. ખાસ કરીને છેલ્લી ઓવર બંન્ને ટીમો માટે ટર્નિંગ પોઈન્ટ થવાની સાથે વધુ ચર્ચા જગાવનારી રહી. ધોની આઈપીએલમાં 100 મેચ જીતનાર કેપ્ટન તરીકેનો રેકોર્ડ બનાવવાની સાથે વિવાદમાં પણ આવ્યો. છેલ્લી ઓવરમાં આઉટ થયા બાદ ડગઆઉટમાં બેઠેલો ધોની નો- બોલનાં વિવાદને લઈને મેદાન ઉપર ધસી જઈ અમ્પાયર સાથે ચર્ચા કરતાં તેને મેચની ફીનાં 50 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે દંડ તેની ફ્રેન્ચાઈઝીએ ભરવાનો રહેશે.

આઈપીએલનાં ઈતિહાસમાં કદાચ આ પહેલો કિસ્સો હશે કે ધોની ગ્રાઉન્ડ ઉપર ગુસ્સામાં જોવા મળ્યો હોય. કારણકે તેના ફેન્સ ધોનીને કેપ્ટન કૂલ તરીકે જ ઓળખે છે. જયપુરમાં ધોનીએ કરેલી હરકતને બીસીસીઆઈએ પણ વખોડીને કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજી તરફ ધોનીએ પણ તેની ભૂલને સ્વીકારી લેવલ-2 મુજબ દંડ ભરવા માટેની શરતને સ્વીકારી લીધી છે. 

રાજસ્થાન ટીમ વતી છેલ્લી ઓવર બેન સ્ટોકનાં ભાગે આવી હતી. તે સમયે ક્રિઝ ઉપર ધોની અને જાડેજા હતા. ઓવરના ત્રીજા બોલમાં ધોની બોલ્ડ થયો હતો. ત્યારબાદ બેટિંગ માટે મિશેલ સેન્ટનર આવ્યો હતો. સ્ટોક્સે ચોથો બોલ ફૂલટોસ નાંખતા અમ્પાયર ગાંધેએ પહેલાં નો-બોલનો ઈશારો કરવા હાથ ઉંચો કર્યો હતો. પણ લેગ અમ્પાયર ઓક્સેનફોર્ડ તરફથી કોઈ સંકેત નહીં મળતાં ગાંધેએ નો બોલ આપવાનું ટાળ્યું હતું. આ બાબતે ગુસ્સો કરીને ધોની ડગઆઉટમાંથી મેદાનમાં ધસી આવ્યો હતો. ધોનીને ઓક્સેનફોર્ડે સમજાવતાં નિરાશ થઈને ત્યાંથી ડગઆઉટમાં ફરી ચાલ્યો ગયો હતો.

આ સિઝનમાં અગાઉ પણ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં અમ્પાયરિંગ વિવાદ થયો હતો. જેમાં આરસીબીને જીતવા માટે છેલ્લા બોલમાં 7 રનની જરૂર હતી. મલિંગાની ઓવરમાં છેલ્લો બોલ નો બોલ હોવા છતાં અમ્પાયરનું ધ્યાન ન રહેતાં આખરે 6 રનથી ટીમ મેચ હારી ગઈ હતી. જો અમ્પાયરે નો બોલ આપ્યો હોત તો એક રન મળવાની સાથે ફ્રી હીટ પણ મળી હોત. આ અંગે આરસીબીનાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ નારાજગી વ્યક્ત કરતા મેચ રેફરીને ફરિયાદ કરી હતી. 

Cricket Score

WhatsApp Registraltion

Close