આજે મુંબઈમાં થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત

Date:2019-04-15 11:33:48

Published By:Jay

મુંબઈ-30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જે માટે ભારતીય ટીમની પસંદગી સોમવારે કરવામાં આ‌વશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યા છે. આરસીબીની આજે જ મુંબઈ ઇન્ડિયન્સની સામે મુંબઇમાં જ મેચ છે. એવામાં વિરાટ મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદની સાથે સિલેક્શન કમિટીની બેઠક માં ભાગ લેવા માટે મુંબઇમાં હાજર રહી શકશે. વર્લ્ડકપ માટે મોટા ભાગના નામ નક્કી છે. સૌથી વધારે ચર્ચા નંબર-4ના બેટ્સમેન તેમજ શિખર અને રોહિત સિવાય ત્રીજા ઓપનર અને ધોની સિવાય બીજા વિકેટકીપરના નામને લઇને છે.

બોલરમાં ભુવનેશ્વર, બુમરાહ, શમી, કુલદીપ, ચહલની જગ્યા લગભગ નક્કી છે. આ રીતે બેટિંગના ક્રમમાં રોહિત, શિખર, વિરાટ, ધોની, જાધવના નામ પણ લગભગ નક્કી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ફિટ છે અને આઇપીએલમાં સારું રમી રહ્યો છે. આ સિવાય ઓલરાઉન્ડર તરીકે વિજય શંકર, જાડેજામાંથી કોણ રમશે તેના પર શંકા છે. આ બંનેમાંથી કોઇ એક અથવા બંને ઇંગ્લેન્ડ જઇ શકે છે. ભારતે વર્લ્ડકપમાં પહેલી મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે.

ટીમમાં ચોથા સ્થાન માટે અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, અંબાતી રાયડૂ અને લોકેશ રાહુલ દાવેદાર છે. આ ચારમાંથી કોઈ એકને વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળી શકે છે. રાયડૂએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 33, રાહુલે એક મેચમાં 26 અને ઋષભ પંતે બે મેચમાં 52 રન બનાવ્યા હતા. બીજી તરફ વિકેટ કિપરમાં ધોની સિવાય બીજા વિકેટ કિપરની રેસમાં દિનેશ કાર્તિક અને ઋષભ પંત બંનેનાં નામ છે.

ચોથા નંબર માટે ચાલી રહેલી મથામણમાં રાહુલની પસંદગી ઉપર સૌથી વધુ સંભાવનાઓ છે. તેણે આઈપીએલ સિઝનમાં 8 મેચ રમી 335 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને ત્રણ અરધી સદીનો સમાવેશ થાય છે. ઐયરે 7 મેચમાં 31.57ની એવરેજથી 221 રન બનાવ્યા, રહાણેએ 7 મેચમાં 25ની સરેરાસથી 175 અને રાડયુએ 8 મેચમાં 22.16ની સરેરાસથી 133 રન બનાવ્યા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close