શ્યામલ ચાર રસ્તા પાસેથી વૈભવી બંગલામાં ચાલતો દારૂનો અડ્ડો પકડાયો

Date:2019-04-15 15:15:22

Published By:Jay

અમદાવાદ-અમદાવાદ શહેરમાં લોકસભાની ચૂંટણી પૂર્વે પોલીસતંત્ર હાઈ એલર્ટ પર છે રૂપિયા અને દારૂની હેરફેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને દિવસ રાત શહેરમાં ઠેર ઠેર ચેક પોઈન્ટ ગોઠવીને વાહન ચેકિંગ કરવામાં આવી રહયું છે  શહેરમાં ચૂંટણી દરમિયાન વિદેશી દારૂની હેરફેર અટકાવવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસ વિભાગની અન્ય એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે.

આ દરમિયાન શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ એક વૈભવી બંગલોમાં વિદેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી આ બંગલામાંથી બુટલેગરો અમદાવાદ શહેરમાં હોમ ડીલીવરી કરતા હતા જેના માટે ટુ વ્હીલર્સ વાહનો સાથે કેરીયરો સતત હેરાફેરી કરતા જાવા મળતા હતા  આ બાતમી મળતાં જ ગઈકાલ રાતથી સ્ટેટ મોનીટરીંગ સેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંગલાની આસપાસ વોચ ગોઠવવામાં આવી હતી અને તેમાં શંકાસ્પદ હિલચાલ જણાતા આજે સવારે ચારે બાજુથી ઘેરો ઘાલી રેડ પાડી હતી.

જેમાં બંગલામાંથી ૧૦૦ પેટી વિદેશી દારૂ તથા હોમ ડીલીવરી કરવા માટેના વ્હીકલો સાથે બે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે અત્યંત વૈભવી બંગલામાંથી દારૂનો સપ્લાય થતો હોવાની ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે લોકસભાની ગુજરાતની ર૬ બેઠકો માટેની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ચૂંટણીપંચ દ્વારા રોકડ રકમ અને દારૂની હેરફેર અટકાવવા માટે પોલીસતંત્રને કડક નિર્દેશો આપ્યા છે જેના પગલે અમદાવાદ શહેરમાં છેલ્લા ૧ મહીનાથી સતત આવી ગેરકાયદેસર પ્રવૃતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં તથા ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં ચેક પોઈન્ટો ગોઠવીને રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે.

આ ઉપરાંત અમદાવાદમાં પ્રવેશતા માર્ગો પર પણ ચેકપોસ્ટો ગોઠવી દેવામાં આવી છે તેમ છતાં બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી શહેરમાં દારૂ ઘુસાડી રહયા છે આ દરમિયાનમાં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા શ્યામલ ચાર રસ્તા પાસેના એક વૈભવી મકાનમાં છેલ્લા ઘણા દિવસોથી વિદેશી દારૂનો મોટો અડ્ડો ધમધમતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી.

બાતમી મળતા જ મોનીટરીંગ સેલના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા પોશ વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાં દારૂના અડ્ડાને ઝડપી લેવા માટે ખાસ ઓપરેશન કરવાનું નકકી કર્યું હતું.  આ વિસ્તારમાં અનેક નામાંકિત વ્યક્તિઓ રહેતી હોવાથી તેના કોઈ પ્રત્યાઘાત ન પડે તેનુ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસથી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી ખાનગી રાહે ગોઠવાયેલી વોચ દરમિયાન શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા હિમાલ્યા મોલની સામે આવેલા બીજલ બંગ્લોઝમાં શંકાસ્પદ અવરજવર જાવા મળી હતી.  આ બંગ્લોઝમાંથી સતત ટુ વ્હીલર્સો આવનજાવન કરતા હતા. જેના પરિણામે શંકા વધુ મજબુત બની હતી અને બાતમી સાચી જણાતા ગઈકાલે રાત્રે સેલના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

બીજલ બંગ્લોઝમાં વિદેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સાચી જણાતા અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવી હતી અને ગઈકાલ મોડી રાતથી જ આ બંગલાને ઘેરો ઘાલવામાં આવ્યો હતો બંગલામાં રાત્રિ દરમિયાન પણ ભારે ચહલપહલ જાવા મળી હતી વહેલી સવારે ઉચ્ચ અધિકારીઓના આદેશથી આ બંગલાને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો અને રેડ પાડવામાં આવતા જ બંગલામાં નાસભાગ મચી ગઈ હતી.

મોનીટરીંગ સેલના અધિકારીઓએ બંગલાની તપાસ કરતા અંદર જુદી જુદી જગ્યાએ સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો શોધી કાઢયો હતો અંદાજે ૧૦૦ પેટીથી પણ વધુ કિંમતી વિદેશી દારૂ મળી આવ્યા બાદ અધિકારીઓએ દારૂનો અડ્ડો ચલાવતા સચિન ઠાકર તથા રાદડિયા નામના અન્ય એક શખ્સને ઝડપી લીધા હતા. અધિકારીઓએ આ બંને શખ્સોની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી તેઓ અવનવી તરકીબો અજમાવી બહારથી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લાવતા હતા અને અમદાવાદ લાવ્યા બાદ તેનું વેચાણ કરતા હતાં છેલ્લા ઘણા સમયથી આ દારૂનો અડ્ડો ચાલતો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આ બંને બુટલેગરોએ આ મકાન ભાડે રાખ્યુ હોવાનું જાણવા મળી રહયું છે અને મકાન માલિકની જાણ બહાર તેઓએ આ બંગલોમાં દારૂનો અડ્ડો શરૂ કરી દીધો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ બંને બુટલેગરોની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close