હળવદ APMCમાં વરિયાળીનો ભાવ તળિયે જતાં ખેડૂતો વિફર્યા

Date:2019-04-15 15:30:45

Published By:Jay

હળવદ: હળવદ માર્કેટિંગ યાર્ડમાં માત્ર બે જ દિવસમાં વરિયાળીનો રૂ. 400નો ઘટાડો થતાં ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. જેને પગલે હજાર આસપાસ ખેડૂતોએ હળવદ - માળિયા હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે વાહનોની બેથી ત્રણ કિ.મી.ની લાંબી કતારો લાગી હતી.

પાક વીમાના પ્રશ્ને લડતા ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું હોય તેમ તેઓની વિવિધ જણસોના યોગ્ય ભાવ પણ મળતા નથી. તેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા પ્રસરી જવા પામી છે. ત્યારે બે દિવસ પૂર્વે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીનો ભાવ 1350થી 1400 બોલાતો હતો. જે આજે અચાનક ભાવ ગગડી જતા અને માત્ર રૂ. 900નો ભાવ બોલાતા ખેડૂતોમાં ભારે રોષ ભરાયા હતા.

ખેડૂતોએ હળવદ - માળિયા હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જેને પગલે હળવદ હાઈવે પર વાહનોના કતારો લાગી હતી. એકાદ કલાક હાઈવે ચક્કાજામ થતાં પોલીસે સમજાવટ કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. જો કે, ખેડૂતોએ વરિયાળીની હરાજી અટકાવી દીધી હતી અને ખેડૂતોને પૂરતો ભાવ મળે તેવી માંગ કરી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close