આતંકવાદી હાફિઝ સઇદના સાળા અને મુંબઇ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકી મક્કીની ધરપકડ

Date:2019-05-15 16:28:43

Published By:Jay

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠન જમાત ઉત દાવા (JuD)ના ચીફ હાફિઝ સઇદ પર મોટી કાર્યવાહી કરી તેના સાળા અબ્દુલ રહેમાન મક્કીની ધરપકડ કરી છે. પાકિસ્તાન પંજાબ પ્રાંતની પોલીસે બુધવારે આ વાતની પુષ્ટિ કરી છે. હાફિઝ સઇદને વર્ષ 2017માં જ્યારે મુંબઇ આતંકી હુમલામાં નજરકેદ કરવામાં આવ્યો, તે દરમિયાન જમાત ઉત દાવાની કમાન મક્કીએ સંભાળી હતી.

પાકિસ્તાન મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, અબ્દુલ રહેમાન મક્કીની ધરપકડ ગેરકાયદે સંગઠનો પર થયેલી કાર્યવાહી દરમિયાન કરવામાં આવી છે. મક્કીની મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ હેઠળ ધરપકડ કરી તેને લાહોર જેલમાં રાખવામાં આવ્યો છે. 
અબ્દુલ રહેમાન મક્કી જમાત ઉત દાવાની રાજકીય અને આતંરરાષ્ટ્રીય મામલાના વિંગનું નેતૃત્વ કરે છે. આ સાથે જ મક્કી ફલાહ-એ-ઇન્સાનિયતનો ઇન-ચાર્જ પણ છે. આ સંસ્થા ચેરિટીના નામે જમાત ઉત દાવા માટે ફંડ એકઠું કરે છે.

પાકિસ્તાનની સરકારે નેશનલ એક્ટ પ્લાન હેઠળ ગેરકાયદે સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ પાકે યુએન દ્વારા પ્રતિબંધિત સંગઠનોના બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધા છે. 
વર્ષ 2010માં ભારત વિરોધી નિવેદનોને લઇને મક્કી ચર્ચામાં આવ્યો હતો. પૂણેમાં જર્મન બેકરી બ્લાસ્ટના આઠ દિવસ અગાઉ તેણે પાકિસ્તાનના મુજફરાબાદમાં એક રેલીના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, ભારતના પૂણે સહિત ત્રણ શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની યોજના છે. 
મક્કીએ એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકારતા કાશ્મીરને આઝાદી અપાવવાની વાત પણ કરી હતી. ભારત વિરૂદ્ધ હંમેશા ઝેર ઓકનાર મક્કીના માથે 12 કરોડ રૂપિયા (20 લાખ ડોલર)નું ઇનામ છે. મક્કી તાલિબાન ચીફ મુલ્લા ઉમર અને અલકાયદા ચીફ અલ-જવાહિરીની પણ નજીક રહ્યો છે.

પાકિસ્તાને જમાત-ઉદ-દાવા (જેયૂડી), ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન (FIF) અને જૈશ-એ-મોહમ્મહ સામે પણ કાર્યવાહી કરી છે. આતંકી સંગઠન પર કાર્યવાહી નેશનલ એક્શન પ્લાન (એનએપી) હેઠળ થઇ છે. 
એનએપી હેઠળ જેયૂડી અને FIFના પ્રભૂત્વવાળી 500થી વધુ સંપત્તિ અત્યાર સુધી પંજાબ પ્રાંતમાં જપ્ત થઇ ચૂકી છે. પંજાબ ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબના 36 જિલ્લામાં, જેડીયૂ અને એફઆઇએફના પ્રભૂત્વવાળી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, ડિસ્પેન્સરી, એમ્બ્યુલન્સ અને સ્ટ્રીમર બોટને પંજાબ સરકારે જપ્ત કરી છે. 
પંજાબ ગૃહ મંત્રાલયના સૂત્રોએ પણ ખુલાસો કર્યો છે કે, JUD અને FIF સાથે સંબંધિત તમામ સંપત્તિઓને હવે પ્રાંત સરકારે પોતાના કબજામાં લીધી છે. અબ્દુલ રહેમાન મક્કીની ધરપકડ સંગઠન પર બીજી સૌથી મોટી કાર્યવાહી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close