અમેરિકાએ 2018માં 10% ઓછા H1-B વીઝા આપ્યા

Date:2019-06-05 13:52:33

Published By:Jay

વોશિંગ્ટન: અમેરિકાએ છેલ્લા ઘણાં સમયથી ઈમિગ્રેશન નિયમોને મુશ્કેલ બનાવી દીધા છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસીઆઈએસ)ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 2017ની સરખામણીએ 2018માં સરકારે 10% H1-B વીઝા ઓછા ઈશ્યૂ કર્યા છે. ગયા વર્ષે 3,35,000 H1-B વીઝાને મંજૂરી આપવામાં આવી જ્યારે 2017માં તેની સંખ્યા 3,73,400 હતી. H1-B વીઝા માટે સૌથી વધારે ભારતીયો દ્વારા અરજી કરવામાં આવે છે.

બીજી બાજુ ટ્રમ્પ પ્રશાસને નાગરિકતા આપવાની સંખ્યામાં વધારો કર્યો છે. 2017માં 7,07,265ની સરખામણીએ 2018માં 8,50,000 લોકોને અમેરિકાની નાગરિકતા આપવામાં આવી છે. આ છેલ્લાં પાંચ વર્ષમાં આ સૌથી મોટો આંક છે. આ સિવાય ગયા વર્ષે અંદાજે 11 લાખ ગ્રીન કાર્ડ પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં કામ કરવા માટે ભારત અને ચીન સહિત અન્ય દેશોના હાઈ સ્કિલ્ડ કર્મચારીઓમાં H1-B વીઝાની માંગ ઘણી વધારે હોય છે. પરંતુ 2017માં તેનો મંજૂરી દર અંદાજે 93% હતો જ્યારે 2018માં તે ઘટીને 85% થયો હતો. એટલેકે બે વર્ષ પહેલાં 100 અરજીમાંથી 93 મંજૂર થતી હતી તે રેશિયો ઘટીને હવે 85 અરજી મંજૂર કરવામાં આવે છે.

મર્કરી ન્યૂઝ ચેનલને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં ઈમિગ્રેશ પોલીસી ઈન્સ્ટિટ્યૂટના વિશ્લેષક સારા પિયર્સે કહ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન H1-B કાર્યક્રમને દબાવવા માટે આક્રમક રીતે યોજનાઓ લાગુ કરી રહી છે. તેમના આ પ્રયત્નો હવે આંકડાઓમાં પણ દેખાઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નાણાકીય વર્ષના પહેલાં છ મહિનામાં H1-B વીઝાની મંજૂરીમાં ઘટાડો જોવા મલ્યો છે. નાણાકીય વર્ષ 2018ના 85 ટકાની સરખામણીએ આ વર્ષે માર્ચના અંત સુધીમાં 79% વીઝા અરજીને મંજૂરી આપવામાં આવી છે.

ટ્રમ્પ પ્રશાસને H1-B વીઝાની અરજીની ફી વધારવાનો પ્રસ્તાવ મુક્યો છે. જુલાઈ 2017માં આવેલા એક રિપોર્ટ પ્રમાણે H1-B માટે સૌથી વધારે ભારતીયો અરજી કરે છે. ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પ્રમાણે 2007થી 2017 સુધીમાં 22 લાખ ભારતીયોએ H1-B માટે અરજી કરી છે. ત્યારપછી ચીનનો નંબર આવે છે. અહીંતી 3 લાખ અરજી આવી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close