આરબીઆઈએ RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફર કરવા પર ચાર્જ હટાવ્યો

Date:2019-06-06 13:15:59

Published By:Jay

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય લોકો માટે મોટી જાહેરાત કરી છે. RBI (Reserve Bank of India)RTGS (Real Time Gross Settlement System) અને NEFT(National electronic funds transfer)થી પૈસા ટ્રાન્સફર કરવા પર RBI તરફથી વસૂલવામાં આવતા ચાર્જને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધો છે. સાથે જ આ ચાર્જ હટાવવાનો લાભ પોતાના ગ્રાહકોને આપવાની બેંકોનો સૂચના આપી છે. જોકે, આવી સ્થિતિમાં પણ ગ્રાહકોએ બેંક તરફથી લેવામાં આવતો ચાર્જ ચુકવવો પડશે.

RBIની જાહેરાત બાદ ઓનલાઇન ફંડ ટ્રાન્સફરને વધારે વેગ મળશે તેમજ RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફર કરવાનું રસ્તું બનશે. આરબીઆઈની જાહેરાત બાદ બેંકના ગ્રાહકો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે પ્રેરાશે અને બેંકો પરનું ભારણ હળવું થશે.

આરબીઆઈ તરફથી આ અંગે અઠવાડિયામાં સર્ક્યુલર જાહેર કરવામાં આવશે. RTGS લાખો રૂપિયા એક સાથે ટ્રાન્સફર કરવાનું સરળ માધ્યમ છે. આ સિસ્ટમ પોતાના નામ પ્રમાણે જ કામ કરે છે, એટલે કે અમુક સેકન્ડમાં જ પૈસા ટ્રાન્સફર થાય છે. તેનાથી અલગ NEFTમાં કોઈ ખાસ સમયે પૈસા ટ્રાન્સફર થાય છે. એટલે કે ગ્રાહકો તરફથી મળેલી રિક્વેસ્ટ એકઠી થાય છે, જે ચોક્કસ સમયે પૂર્ણ કરવામાં આવે છે.

RTGSના માધ્યમથી તમે બે લાખ કે તેનાથી વધારેની રકમ ટ્રાન્સફર કરી શકો છો. પહેલી જૂનથી RTGSનાં ટ્રાન્ઝેક્શનનો સમય સાંજે છ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. RTGS ટ્રાન્ઝેક્શન માટે પ્રારંભિક કટ-ઓફ સમયને સાંજે 4.30 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વધારવામાં આવ્યો છે. આ પહેલા RTGS ટ્રાન્ઝેક્શન અઠવાડિયામાં સવારે 9થી સાંજના 4.30 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી થતા હતા. RTGSમાં ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલી શકાય છે, જ્યારે વધારેમાં વધારે પૈસા મોકલવાની કોઈ મર્યાદા નથી. RBIના આંકડા પ્રમાણે એપ્રિલ, 2019માં RTGS દ્વારા 112 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી.

RTGS અને NEFTના ચાર્જ હટાવવા ઉપરાંત આરબીઆઈ તરફથી ATMના ચાર્જ અંગે વિચારણા કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈના કહેવા પ્રમાણે ATMના ચાર્જમાં બદલાવ કરવાની તીવ્ર માંગણી ઘણા સમયથી ઉઠી છે. આથી આ મુદ્દે કોઈ સમાધાન લાવવા માટે આરબીઆઈ તરફથી એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટિ પોતાની પ્રથમ બેઠકના બે મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close