સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોમાં 12-13 જૂનના રોજ સ્કૂલ-કોલેજોમાં રજા

Date:2019-06-11 16:21:50

Published By:Jay

ગુજરાતમાં ત્રાટકનારા વાવાઝોડાને લઈને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની એક સમક્ષી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સેનાના ત્રણેય પાંખના વડા હાજર રહ્યા હતા. આ બેઠક મુખ્ય સચિવ જે.એન.સિંઘની વડપણ હેઠળ યોજાઈ હતી. બેઠકમાં તમામ વિભાગના સચિવો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ મહેસૂલ વિભાગના અધિક સચિવ પંકજ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, 12 અને 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના પ્રભાવિત જિલ્લાઓમાં આવેલી સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

બેઠક બાદ અધિક મુખ્યસચિવ, મહેસૂલ વિભાગ પંકજ કુમારે જણાવ્યું કે, "બેઠકમાં સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ તેમજ સંબંધિત ખાતાના અધિકારીઓ હાજર હતા. બેઠકમાં સંબંધીત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી. વાયુ વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત જિલ્લાઓમાં ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાંથી રહેતા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. કલેક્ટરો આ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડશે. તેમને જ્યાં રાખવામાં આવશે ત્યાં લાઇટ, પાણી સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે."

અધિક મુખ્યસચિવે વધુમાં જણાવ્યું કે, "હાલ એનડીઆરએફની 11 ટીમ જે-તે જિલ્લામાં તહેનાત થઈ ગઈ છે. બીજી પાંચ ટીમ રવાના થઈ રહી છે. બીજી 10 ટીમની પણ માંગણી કરવામાં આવી છે. એટલે કે આપણી પાસે એનડીઆરએફની 35 ટીમ છે. આ તમામ ટીમો બુધવારે બપોર સુધી જે તે સ્થળે તહેનાત થઈ જશે. કચ્છમાં બીએસએફની બે ટીમ કાર્યકર રહેશે. એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ)ની પણ 11 ટીમ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત બુધવારે સવારથી તમામ જિલ્લાઓમાં આર્મીના જવાનોને પણ તહેનાત કરવામાં આવશે. સ્થળાંતર વખતે મોટી ઉંમરની મહિલાઓ, ગર્ભવતી મહિલાઓને ખૂબ જ સાવચેતી લઈ જવામાં આવે તેની સૂચના આપી દેવામાં આવી છે."

"પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલ, કોલેજ અને આંગળવાડીઓને 12 અને 13ના રોજ બંધ રાખવાના આદેશ કરાયા છે. પશુઓને કોઈ નુકસાન ન થાય તેની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સાડા 4.5 લાખ ખેડૂતો અને માછીમારોને મેસેજ પહોંચાડી દેવામાં આવ્યા છે. દરમિયામાં ગયેલી તમામ બોટ પરત આવી ગઈ છે. આ ઉપરાંત તમામ મોબાઇલ ઓપરેટર્સને તકેદારીના સંદેશ પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close