'વાયુ' ટકરાયા પહેલા ગુજરાતમાં વીજળી અને ઝાડ પડતા છ લોકોનાં મોત

Date:2019-06-12 09:51:58

Published By:Jay

ગુજરાતના દરિયાકાંઠે ટકરાવા જઈ રહેલા 'વાયુ' વાવાઝોડાએ હવે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી 420 કિલોમીટર દૂર હતું. વાવાઝોડું હવે સિવિયર બન્યું છે ત્યારે તે ગુજરાત સાથે ટકરાશે ત્યારે પવનની ઝડપ 140થી 150 કિલોમીટરની હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર પહોંચશે. વાવાઝોડા પહેલા મંગળવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વીજળી અને ઝાડ પડતાં છ લોકોનાં મોત થયા છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ત્રણ ગામમાં વીજળી પડતાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ગંગાપુર, પાંચઉમર અને નવાગામમાં વીજળી પડી હતી. ઘાયલોને ડેડીયાપાડા આરોગ્યકેન્દ્ર અને રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

ડાંગના સુબિર તાલુકામાં વીજળી પડતા એકનું મોત થયું છે. શીંગાણા પંચાયતના જામનયામાલમાં વીજળી પડતા 50 વર્ષીય ઈસમનું મોત થયું છે. મગનભાઈ વાઘમારે વીજળી પડી ત્યારે તેમના ખેતરમાં ઝાડ નીચે ઉભા હતા. વીજળી પહેલા ઝાડ અને પછી તેમના પર પડતાં મોત થયું.

વ્યારાના ખુશાલપુરા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતા વૃદ્ધાનું મોત થયું છે. મૃતદેહને પીએમ માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકનું નામ નુંરીબેન વેચયાભાઈ ગામીત હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ જિલ્લાના મોટી તંબાડી ગામે વીજળીના કડાકા અને ભડાકા મંગળવારે વરસાદ વરસ્યો હતો. મોટી તંબાડી ગામમાં દંપતી ઘરની પાછળ લાકડા ભરી રહ્યા હતા તે વખતે વીજળી પડતા પત્ની પ્રેમિલા વારલીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.

મહુવાના કરચેલીયા-વળવાડા રોડ પર વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. આ દરમિયાન બાઈક પર જઈ રહેલા ખેડૂત પર વૃક્ષ પડતા તેનું મોત થયું હતું. ખેડૂત દેડવાસણ ગામના હોવાનું બહાર આવ્યું છે. મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close