બંગાળમાં હવે કોંગ્રેસ-TMC વચ્ચે લોહિયાળ સંઘર્ષ

Date:2019-06-15 16:24:44

Published By:Jay

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓના મોત થયા છે. સ્થાનિક સૂત્રો અને પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે ટીએમસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં ટીએમસી કાર્યકર્તા ખૈરુદ્દીન શેખ અને સોહેલ રાણા અને અન્ય એક કાર્યકર્તાનું મોત થઈ ગયું છે.

આ પહેલાં લોકસભા ચૂંટણી પહેલાં ઢોમકોલ પંચાયત સમિતિના અલ્તાફ હુસૈનની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના મુખ્ય આરોપીને થોડા દિવસ પછી છોડી દેવામાં આવ્યો હતો. માનવામા આવે છે કે, સોહેલ રાણા અલ્તાફ હુસૈનનો દીકરો છે અને ખૈરુદ્દીન શેખ તેનો મોટો ભાઈ છે. આ ઘટના પછી વિસ્તારમાં મોટી માત્રામાં પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓના મોત પાછળ ટીએમસીએ કોંગ્રેસનો હાથ જણાવ્યો છે.

ખૈરુદ્દીનના દીકરાએ કહ્યું કે, અમે ઘરે ઉંઘી રહ્યા હતા ત્યારે જ અચાનક ઘર પર બોમ્બથી હુમલો થયો. તેમણે અમારા પિતા પર હુમલો કર્યો. થોડા દિવસ પહેલાં મારા કાકાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. પરિવારે આ હત્યા પાછળ કોંગ્રેસનો હાથ ગણાવ્યો છે.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પછી પણ બંગાળમાં હિંસા અટકવાનું નામ જ નથી લેતી. અહીં અત્યારસુધી અંદાજે 10 રાજકીય કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી અહીં બીજેપી અને તૃણમૂલના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝપાઝપી થતી હતી પરંતુ હવે કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવવા લાગી છે.

ગુરુવારે મોડી રાતે નોર્થ 24 પરગણા જિલ્લાના હસનાબાદમાં બીજેપી મહિલા કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમલાની પંચાયતમાં 42 વર્ષના સરસ્વતી દાસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજેપીએ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close