જીવરાજ પાર્કની કન્સ્ટ્રક્શન સાઈટ પર કરંટ લાગતા સગીરાનું મોત

Date:2019-07-11 12:04:02

Published By:Jay

અમદાવાદ: જીવરાજપાર્ક વિસ્તારમાં શાલીન રેસિડેન્સીમાં મશીનમાં કરંટ લાગવાથી સગીરાના મોત મામલે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. કામ કરતી વખતે મશીનમાં વાયર અડી જતાં સાત લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં મૂળ દાહોદની સગીરાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મૂળ દાહોદના રહેવાસી મનીષ આદિવાસી અને તેની બહેન પ્રિયંકા (ઉ.વ.16) અમદાવાદમાં મજૂરી કામ કરે છે. મંગળવારે મનીષ અને તેની બહેન જીવરાજબ્રિજ નીચે મજૂરીકામ માટે ગયા હતા જ્યાં પરેશ પરમાર નામનો શખ્સ મનીષ અને તેની બહેન સહિત 20 મજૂરોને 400 રૂપિયા મજૂરી લેખે આનંદ પાર્ટીપ્લોટ પાસે આવેલી શાલીન રેસિડેન્સીની સાઇટ પર કામ માટે લઈ ગયો હતો. મનીષ સહિત 8 લોકો ધાબની પદડી ભરવા ઉપર ગયા હતા. જ્યારે પ્રિયંકા સહિત અન્ય મજૂરો નીચે કપચીના મશીનમાં કામ કરવા રહ્યાં હતાં.

બિલ્ડર નિલેશભાઈ પાસે મજૂરોની સેફ્ટીના સાધનો માંગતા સાઇટ પર ન હોવાનું કહ્યું હતું અને કામ કરવું હોય તો કરો તેમ કહ્યું હતું. બાદમાં તમામ મજૂરોએ કામ ચાલુ કર્યું હતું. કપચીના મશીનને ખસેડતા હતા ત્યારે ઉપરથી પસાર થતો ઇલેક્ટ્રિક વાયર મશીનને અડી જતા પ્રિયંકા સહિત 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં પ્રિયંકાને વધુ કરંટ લાગતા તેને સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે પરેશ પરમાર, મનોહર નાયકર અને બિલ્ડર નિલેશભાઈ સહિત ત્રણ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close