કોર્ટે RTI એક્ટિવિસ્ટની હત્યા કેસમાં દિનુ બોઘા સહિત 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

Date:2019-07-11 12:24:11

Published By:Jay

અમદાવાદ: જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા છે. ત્યારે આજે સાતેય આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજે આજીવન કેદની સજા ફટકારી હતી.

જેઠવાની હત્યાના સાતેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સાથે દંડ પણ ફટાકર્યો હતો. તેમાંથી 11 લાખ પરિવારજનોને અપાશે જેમાં 5 લાખ અમિત જેઠવાની પત્ની અને 3-3 લાખ તેના બે સંતાનોને અપાશે. જેમાં શૈલેષ પંડ્યાને આર્મ્સ એક્ટમાં આજીવન સજા અને 10 લાખનો દંડ, ઉદાજી ઠાકોરને 25,000નો દંડ, શિવા પચાણને 8 લાખનો દંડ તેમજ 302, 120-Bમાં સજા, શિવા સોલંકીને 15 લાખ દંડ, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ)ને 302, 120-Bમાં સજા અને 10 લાખનો દંડ, સંજય ચૌહાણને 1 લાખનો દંડ અને દિનુ બોઘા સોલંકીને 15 લાખ દંડ કરાયો હતો.

દોષિત ઠરેલા દિનુ બોઘાને તેમના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી છે. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે. અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ 5 નવેમ્બર 2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત 7 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.

આ કેસની ટ્રાયલ દરમિયાન 155 સાક્ષી ફરી ગયા હતા. હાઈકોર્ટમાં હુકમથી 27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની 164 હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.

Cricket Score

WhatsApp Registraltion

Close