મેક્કુલમનો ક્રિકેટમાંથી સંન્યાસ

Date:2019-08-06 12:18:34

Published By:Jay

ભારતીય ખેલાડી યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તાજેતરમાં ભારતમાંથી અંબાતી રાયડૂ અને વેણુગોપાલ રાવે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું છે. હવે આ કડીમાં ન્યૂઝીલેન્ડના ધાકડ બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમનું નામ જોડાયું છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન મેક્કુલમે ટ્વિટર પર સંન્યાસ અંગેની જાણકારી આપી છે.

બ્રેન્ડન મેક્કુલમે કહ્યું કે, વર્તમાન કેનેડા ટી-20 લીગ પૂરી થયા બાદ તે કોઈ પણ ફોર્મેટમાં ક્રિકેટ નહીં રમે. મેક્કુલમે ટ્વિટર પર લખ્યું કે હું આ જાહેરાત કરતા સંતોષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છું કે કેનેડા ટી-20 લીગ પછી હું ક્રિકેટને કોઈ પણ ફોર્મેટમાં નહીં રમું. જોકે, મેક્કુલમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની 101 ટેસ્ટ મેચ પછી વર્ષ 2016માં જ સંન્યાસ લઈ લીધો હતો. જે બાદમાં તે અલગ અલગ દેશમાં આયોજીત થતી ટી 20 મેચમાં રમતો રહ્યો હતો. 37 વર્ષના મેક્કુલમે પોતાની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 2015માં ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડી હતી. જોકે, વર્લ્ડ કપનો ખિતાબ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. મેક્કુલમે જણાવ્યું કે, મારી 20 વર્ષની ક્રિકેટની કારકિર્દીમાં મેં જે પણ હાંસલ કર્યું છે તેના વિશે ક્યારેક વિચાર્યું પણ ન હતું. આ એક સારી સફર હતી, પરંતુ દરેક સારી વાતનો અંત હોય છે.

બ્રેન્ડન મેક્કુલમ ટી 20 ક્રિકેટનો બીજો સૌથી સફળ બેટ્સમેન છે. તેની આગળ વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેલ છે, જે આ ફોર્મેટમાં તે 10 હજાર રન બનાવી ચુક્યો છે. મેક્કુલમના નામ 6453 ટેસ્ટ રન, 6083 વન ડે રન અને 2140 ટી 20 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે 107 છગ્ગા લગાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. મેક્કલુમે 2016માં પોતાની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 54 બોલમાં સદી ફટકારી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close