દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ગણદેવીમાં 4.5 ઈંચ વરસાદ

Date:2019-09-11 11:32:57

Published By:Jay

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારી જિલ્લાના ગણદેવીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે ભારે વરસાદના પગલે ગણદેવી, જલાલપોર, નવસારી, વાપી, ચોર્યાસી, મહુવાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ધોધમાર વરસાદના કારણે નવસારી, ગણદેવી અને વિજલપોર પંથકમાં અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. કોટન મિલ, પ્રજાપતિ આશ્રમ નજીકનો રોડ, શિવાજી ચોક નજીક, પ્રકાશ ટોકીઝ ગરનાળુ વગેરે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર સવારે અસરગ્રસ્ત થયો હતો. ધોધમાર વરસાદના કારણે કાલીયાવાડીના કેટલાક ઘરોમાં પાણી ભરાયા અને 10 પરિવારોને સ્થળાંતર કરાવાની પણ ફરજ પડી હતી. ગણદેવી વેંગણિયા નદીમાં પાણીનો આવરો આવતા બંધારા પુલ પર પાણી ફરી વળ્યાં હતા. આ સાથે નેરોગેજ અન્ડરપાસમાં પાણી ભરાતા કાત્રક વીલા, કોઠી ફળિયા સંપર્ક વિહોણા થયાં હતાં. બીલીમોરા અંબિકા નદી કિનારે આવેલ ભાઠાના ઘોલ ફળિયાના પિચિંગવાળા માર્ગ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું હતું. ગત વર્ષની સરખામણીએ મોસમનો કુલ 77.6 ઇંચ (1940 મિમિ) વરસાદ હાલ સુધી નોંધાઇ ચુક્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 5 ઇંચ વધુ નોંધાયો છે.

ખેરગામમાંથી પસાર થતી તાન અને ઔરંગા સહિતની લોકમાતા ઉભરાઈ જતા આજુબાજુના કોતરડા પણ પાણીના ધસમસતો પ્રવાહ વધી રહ્યા છે. પાટી-ખટાણા ચીમનપાડા-મરઘમાળ બહેજ-ભાભા અને નાધઇ-મરલા ગામોને જોડતા ચાર કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો.

નવસારી નજીક થી પસાર થતી પૂર્ણા નદીની સપાટી સોમવારે સાંજે તો 10 ફૂટ સામાન્ય જ હતી પરંતુ રાત્રે ધીમી ગતિએ સપાટીમાં વધારો થયો હતો. આજે 16.75 ફૂટે(ભયજનક 23 ફૂટ)પહોંચી બન્ને કાંઠે વહેતી થઈ હતી. નવસારી ઉપરાંત ડાંગ, મહુવા, વાલોડમાં સારો વરસાદ પડતાં સપાટી વધી હતી.

નવસારીને અડીને આવેલા કાલીયાવાડીમાં ઘરોમાં પાણી ભરાયા હતા. ગામના અગ્રણી ભૂતપૂર્વ સરપંચ પરેશ પટેલના જણાવ્યા મુજબ ગામના રાજીવ નગરમાં પાણી ભરાતા 10 ઘરોના 40 લોકોને સત કેવલ મંદિરમાં સ્થાળાંતર કારવાયું હતું. તેમના ભોજનની વ્યવસ્થા પણ કરાવાય હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close