રાજ્યમાં હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

Date:2019-09-11 12:40:19

Published By:Jay

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ-પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન મોજા ઉછળશે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લે 2013માં રાજ્યમાં 128 ટકા વરસાદ નોંધાયો હતો. મંગળવારે રાજ્યના 31 જિલ્લાના 184 તાલુકામાં સાડા પાંચ ઇંચ સુધી મેઘ મહેર રહી હતી. આ વર્ષે જૂન મહિનાથી શરૂ થતી ચોમાસાની સિઝનથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013 પછી એટલે કે 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદમાં સિઝનના કુલ વરસાદ કરતાં 4 ટકા વરસાદ ઓછો પડ્યો છે.

ઉમરપાડામાં માત્ર 24 કલાકમાં 16 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 461.3 મીમી સામે 678 મીમી એટલે કે 47 ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદમાં એવરેજ 634.5 મીમી સામે 607.7 મીમી વરસાદ પડ્યો છે. એટલે કે અમદાવાદમાં 4 ટકા વરસાદની ઘટ છે. મંગ‌ળવારે રાજ્યમાં વરસાદ સબંધિત વિવિધ અકસ્માતોના કારણે 4 લોકોના મોત નિપજ્યાં હતા. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના નર્મદા નદીની સપાટી 31 ફૂટે આંબી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારના 1 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું હતું.

રાજ્યના 23 જિલ્લામાં 100 કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે. હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી 100 ટકા કરતા વધુ વરસાદ વાળા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 100 ટકા કરતા વધુ વરસાદ પડેલા જિલ્લાઓમાં ભરૂચ-155 ટકા, ડાંગ-126 ટકા, વલસાડ-125 ટકા, નવસારી-117 ટકા, બોટાદ-152 ટકા, ભાવનગર-115 ટકા, અમરેલી-109 ટકા, જૂનાગઢ-116 ટકા, દાહોદ-82 ટકા, પંચમહાલ-120 ટકા, છોટાઉદેપુર-149 ટકા, કચ્છ-142 ટકા, ખેડા-109 ટકા, આણંદ-113 ટકા, વડોદરા-111 ટકા, સુરેન્દ્રનગર-122 ટકા, રાજકોટ-115 ટકા, મોરબી-137 ટકા, જામનગર-140 ટકા, દ્વારકા-104 ટકા, નર્મદા-135 ટકા, તાપી-113 ટકા અને સુરતમાં 132 ટકા વરસાદ પડ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close