વડોદરામાં કાપડ, ફર્નિચર, કરિયાણાની દુકાનોમાં સામાન તબાહ થયો
વડોદરા: વડોદરામાં 24 જુલાઈએ પડેલા 14 ઈંચ વરસાદથી તારાજી
સર્જાઈ હતી. આજે ચોથા દિવસે પણ વેપારીઓને કળ વળી નથી, કારણ કે કાપડબજાર, ફર્નિચરબજાર, કરિયાણાબજાર સહિતની
બજારોમાં આવેલી દુકાનોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં, આથી દિવ્ય ભાસ્કરે
શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીમાં ડૂબેલી દુકાનો ખાતે પહોંચી હતી. જેમાં જાણવા
મળ્યું છે કે, વડોદરાના વેપારીઓને 20 કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ ભારે વરસાદમાં 1 હજાર કાર તો 2 હજાર ટૂ-વ્હીલર બંધ પડી
ગયાં છે, જેનાથી લોકોને 5 કરોડ જેટલા રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
કાપડના વેપારીઓને
નુકસાન
વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે 2019માં પડેલા ભારે વરસાદ
અને પૂરને કારણે વડોદરાના વેપારીઓને અંદાજે રૂપિયા 60થી 70 કરોડનું નુકસાન થયું
હતું. જ્યારે આ વખતે ભારે વરસાદને કારણે વડોદરાના વેપારીઓને રૂપિયા 20 કરોડ ઉપરાંત નુકસાન
થયું હોવાનો અંદાજ છે. એમાં ખાસ કરીને રાવપુરા રોડ, એમજી રોડ, પ્રતાપનગર રોડ ઉપરના
કાપડ, ફર્નિચરના વેપારીઓ સહિત અન્ય વેપારીઓને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત
પ્રતાપનગર રોડ ઉપર ફર્નિચર સહિતની દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે ભારે નુકસાન
થયું છે.
સમગ્ર શહેર પાણી પાણી
વડોદરા શહેરમાં તારીખ 24
જુલાઈના રોજ પડેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેર
જળમગ્ન બની ગયું હતું. અનરાધાર વરસેલા વરસાદને કારણે વડોદરા શહેરના માર્ગો ઉપર કેડ
સમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેના કારણે મુખ્ય માર્ગ ઉપર આવેલી દુકાનોમાં અડધા ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં
હતાં, જેના કારણે વેપારીઓને ભારે
નુકસાન થયું છે. આ ઉપરાંત બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે
વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના આડેધડ
લેવાયેલા નિર્ણયના કારણે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ
સર્જાઈ હતી. પરિણામે, વડોદરાના વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે.