• Home
  • News
  • અમદાવાદ સિવિલમાં આવેલો વિચિત્ર કિસ્સો, મહિલાનાં આંતરડામાંથી 17 લીસ્સા પથ્થર કઢાયા
post

સામાન્ય પણે કિડનીમાં પથરી થતી હોય છે,પરંતુ આ કિસ્સામાં માછલીઘરમાં રખાય તેવા પથ્થર નીકળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 09:27:13

અમદાવાદ: મોટેભાગે કિડનીમાં પથરી થાય છે. સિવિલમાં નોંધાયેલા એક વિચિત્ર કિસ્સામાં ઊલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ પછી દાખલ કરાયેલી એક મહિલાનાં આંતરડામાંથી માછલીઘરમાં રખાય છે તેવા 17 લીસ્સા કાળા પથ્થર કઢાયા છે.


સિવિલના સર્જરી વિભાગના યુનિટના વડા ડો. નિતીન પરમાર જણાવે છે કે, નવા વાડજની 52 વર્ષની મહિલાને ઘણા સમયથી પેટમાં દુઃખાવાની અને ઉબકાની તકલીફ હતી. 10 જાન્યુઆરીએ તેમને પ્રાથમિક સારવાર બાદ સર્જરી વિભાગમાં દાખલ કરાયા હતા. ડો.કલ્પેશ પટેલ અને ડો. દિનેશ પરમારે એક્સ રે રિપોર્ટમાં આંતરડામાં પથ્થર હોવાનું જણાતા સિટી સ્કેન કરાવ્યું હતું.


સીટી સ્કેન રિપોર્ટમાં 10થી 15 જેટલી પથરી હોવાનું જણાતા ડોકટરો પણ ચોંકી ગયા હતા. ત્યારબાદ 3 કલાક સુધી સર્જરી કરીને દર્દમુક્ત કરાઈ હતી.


આંતરડું સાંકડું હોવાથી પથ્થર અટવાયા
કિડની અને એપેન્ડીક્સની જેમ આંતરડામાં પણ પથરી થતી હોય છે. પણ આંતરડુ મોટું હોવાથી ઝાડા વાટે પથરી બહાર નીકળી જાય છે. મહિલાનું આંતરડુ સાંકડું હોવાથી પથરી બહાર નીકળી નહિ અને પથ્થર બની ગઇ. સર્જરીમાં એનેસ્થેશિયા વિભાગના ડો. નિલેષ સોલંકી, અનિશા ચોક્સી અને ડી.સી.ત્રીપાઠીની કામગીરી પણ મહત્વની હતી.


નાના આંતરડાનો એક ભાગ કાપવો પડ્યો
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.જી.એચ.રાઠોડના જણાવ્યા અનુસાર સર્જરીમાં નાનુ આંતરડુ ખોલ્યું ત્યારે તેમાંથી માછલીઘરમાં રખાતા લીસા કાળા પથ્થર નીકળ્યા હતા. એક પછી એક 17 લિસ્સા પથ્થર કાઢવાની સાથે નાના આંતરડાનો કેટલોક ભાગ કાપવામાં આવ્યો હતો. 3 કલાકની સફળ સર્જરી બાદ મહિલા હવે સ્વસ્થ છે. હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે, બેથી ત્રણ દિવસમાં રજા અપાશે.

adv

Related News

post
post
post
post
post
post
post