• Home
  • News
  • 2 કલાકના વરસાદે પ્રાંતિજને પાણી-પાણી કર્યુ, નડિયાદમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
post

સંજેલીમાં કોઝવે તૂટ્યો, ઉત્તર ગુજરાતમાં આજે મેઘતાંડવના એંધાણ

Written By newsonline | Ahmedabad | Published: 2024-07-29 12:01:32

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે બપોરના 1:00 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા, ખેડા, મહિસાગર સહિત અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. નડિયાદમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. તો સંજેલીમાં કોઝવે તૂટ્યો હતો. જ્યારે આજે બે કલાકમાં પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

મહેસાણા સહિત આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ

મહેસાણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે 7 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા મહેસાણા શહેર સહિત આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી, ધંધે જતા લોકો પણ અટવાયા હતા.

વાંસદાનો કેલીયા ડેમ 100 ટકા ભરાયો

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો કેલીયા ડેમ 100 ટકા ભરાયો છે. વહીવટી તંત્ર દ્વારા ત્રણ તાલુકાના નીચાણવાળા 23 ગામડાને એલર્ટ કરાયા છે. ચીખલી, ખેરગામ અને ગણદેવી ના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ

આજે અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, શિવરંજની, ગોતા, રાણીપ, પ્રહલાદનગર, નહેરૂનગર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે પૂર્વ અમદાવાદના નરોડા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post