અત્યારસુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ બન્યા
ગાંધીનગર: 2014માં કેન્દ્રમાં
નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકાર બન્યા બાદ 2014માં જ ગુજરાતના સિનિયર
મંત્રી વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. બાદમાં 2018માં ગુજરાતના બીજા
સિનિયર આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યાં
હતાં.પછી 2019માં આનંદીબેન પટેલને જ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં હતાં. 2021માં ગુજરાતના જ મંગુભાઇ
પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા. આમ નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના
ત્રણ નેતાઓને રાજ્યપાલ પદ મળ્યું હતું. જેમાંથી બે નેતાઓના રાજ્યપાલનો કાર્યકાળ
પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના વધુ બે નેતાને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે.
જેમાં વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલના નામ મોખરે છે. 29 જુલાઈએ આનંદીબેનનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ
રહ્યો છે.
ગુજરાત પર મોદી સરકારને
વધુ ‘ભરોસો’
ગુજરાતમાં નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી સંપૂર્ણ રીતે પરિચિત
હોય છે. સાથે સાથે મોદી પણ ગુજરાતના નેતાઓની રાજકીય કુનેહથી વાકેફ હોવાથી
કામગીરીમાં સરળતા પડે છે. જેથી ફરી એકવાર ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ
નહીં. આનંદીબેન પટેલ અને વજુભાઇ જેવા સિનિયર આગેવાનોની રાજ્યપાલ તરીકેની કામગીરી
પણ સરળતાથી પૂરી થઈ હોવાથી નરેન્દ્ર મોદીની સરકાર બીજા પણ ગુજરાતના નેતાઓને તક
આપશે.
આ 13 ગુજરાતી ગવર્નર બન્યા
કનૈયાલાલ મુનશી (યુપી), જયસુખલાલ હાથી (પંજાબ), સર ચંદુલાલ ત્રિવેદી (આંધ્ર), ખંડુભાઈ દેસાઈ (આંધ્ર), કુમુદબેન જોષી (આંધ્ર), કૃષ્ણકુમારસિંહજી
(તમિલનાડુ), કે. કે. શાહ (તામિલનાડુ), પ્રભુદાસ પટવારી (તામિલનાડુ), ગોપાલ કૃષ્ણ ગાંધી (પ.
બંગાળ), વિરેન શાહ (પ. બંગાળ), વજુભાઈ વાળા (કર્ણાટક), આનંદીબેન પટેલ (મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ), મંગુભાઈ પટેલ
(મધ્યપ્રદેશ).