• Home
  • News
  • મૃતકની પત્નીનું પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ: આરોપીઓને નહીં પકડો તો બે બાળકો સાથે ગમે ત્યાં આત્મવિલોપન કરીશ
post

વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતની આત્મહત્યા મામલે તંગદિલી યથાવત

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 11:26:07

વડાલીઃ વડાલીમાં શુક્રવારે બપોરે ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી ખેતરમાં જઇ સેલફોસની ગોળીઓથી જીવન ટૂંકાવવાના મામલામાં 48 કલાક બાદ પણ મૃતકની લાશ સ્વીકારાઈ નથી. રવિવારે મૃતકની પત્ની અને 50થી વધુ મહિલાઓ વડાલી પોલીસ સ્ટેશન આગળ બેસી ગઈ હતી અને બપોરે ઇડર ડીવાયએસપીને આવેદનપત્ર આપી 24 કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો 17મી ફેબ્રુઆરીએ બે બાળકો અને પાંચ મહિનાના ગર્ભ સાથે ગમે ત્યાં જઈને આત્મવિલોપન કરવાની જાણ કરતાં ખળભળાટ મચી ગયો હતો.


વડાલીના નરેશભાઈ લવજીભાઈ પટેલે શુક્રવારે વ્યાજખોરોના ત્રાસથી ખેતરમાં જઈ જીવન ટૂંકાવ્યા બાદ 7 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ત્રણ જણાં સરકારી નોકરી કરે છે. સાતેય શખ્સ હવામાં ઓગળી જતાં લાશ 48 કલાકથી રઝળી રહી છે. રવિવારે વિધવા અન્ય મહિલાઓ સાથે વડાલી પોલીસ સ્ટેશન આગળ બેસી પતિના મોત માટે જવાબદાર વ્યાજખોરોને પકડવા ચોધાર આંસુએ રડતી આરોપીઓને પકડવા કાકલૂદી કરતી રહી હતી. બપોર બાદ ડીવાયએસપીને આવેદન આપ્યું હતું કે 15 થી 20 ટકા વ્યાજ લેનારા આરોપીઓ સાથે પોલીસની સાંઠગાંઠ હોવાથી ધરપકડ થઈ નથી. 17 ફેબ્રુ.ના રોજ સવારે 10 કલાક સુધીમાં ધરપકડ નહીં થાય તો મારા બે બાળકો અને ગર્ભમાંના પાંચ માસના બાળક સાથે ગમે તે સમયે કોઈપણ જગ્યાએ જઈ આત્મવિલોપન કરીશ. વડાલી પીએસઆઈ પી.પી.જાનીએ ફરી એકવાર જણાવ્યું હતું કે સાત આરોપીઓ માટે સાત ટીમો કાર્યરત છે.


મૃતકની પત્નીએ ત્રણ દિવસથી કશું ખાધું નથી
આવેદનપત્ર આપવા જવા દરમિયાન પણ પગથિયા ચડતી વખતે તેમને અન્યનો સહારો લેવો પડ્યો હતો. બે બાળકો અને ગર્ભસ્થ શિશુની ચિંતા કરીને પણ સમાજની મહિલાઓ દ્વારા તેમને સમજાવવા જોઈએ તેવી લાગણી પ્રવર્તી રહી છે અન્યથા ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ પણ બગડી શકે છે.


વડાલી બંધની અપીલ, ફરીથી આવેદન અપાશે
સાડી સત્યાવિશ આંજણા ચૌધરી સમાજ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી સેલફોસની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાના બનાવમાં શનિવારે આવેદનપત્ર આપવા છતાં ગુનેગારો વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઇ નથી. જેથી ફરીથી સોમવારે જૂની દુધ ડેરી આગળ 11:00 કલાકે એકત્ર થઇ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનું હોય તમામ વેપારીઓ બંધ પાળી તમામ સમાજના લોકો આંજણા ચૌધરી સમાજ ને સહયોગ આપે તેવી અપીલ કરાઈ છે.


મહિલાઓ અને પોલીસે સમજાવી ઘેર મોકલ્યા
રવિવારે બપોરે મૃતકની પત્ની લલીતાબેન વડાલી પોલીસ સ્ટેશનની સામે અન્ય મહિલાઓની સાથે તડકામાં બેસી ગયા હતા અને આરોપીઓન પકડાય ત્યાં સુધી બેસવાની હઠ પકડયા બાદ પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડવાનું આશ્વાસન આપતા અને અન્ય મહિલાઓએ સમજાવતા સાંજે ઘેર જવા સહમત થયા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post