• Home
  • News
  • ગુજરાત માટે 3 દિવસ ‘ભારે’:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે, અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના, 7 જિલ્લામાં રેડ એલર્ટ
post

206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 18:01:49

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. સોમવારે 100થી વધુ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 76 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે રાજ્યના મોટા ભાગનાં સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પણ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ એક સર્ક્યુલેશન બની રહ્યું છે, જેને કારણે આખા ગુજરાતમાં વરસાદ થશે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. 9 અને 10 ઓગસ્ટે અમદાવાદને મેઘરાજા ધમરોળશે. ત્યાં જ 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે.

24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં ઉપલેટા અને ઉમરગામમાં 4 ઈંચ, જામકંડોરણા અને હિંમતનગરમાં સાડાત્રણ ઈંચ, દાહોદ, બગસરા, બાબરા અને રાણાવાવમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સીઝનનો 76.21 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કચ્છમાં 125 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 87 ટકા વરસાદ પડી ગયો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 62 ટકા અને મધ્ય ગુજરાતમાં 65 ટકા નોંધાયો છે.

ગુજરાતનાં જળાશયોમાં 68.34% જળસંગ્રહ
રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 66, એલર્ટ ૫ર કુલ-14 તેમજ વોર્નિંગ ૫ર કુલ -10 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા
206
ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું છે, જ્યારે 32 ડેમમાં 50થી 70 ટકા સુધી, 37 ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે. નર્મદા ડેમમાં કુલ 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે. આજે ડેમમાં પાણીની સપાટી 132.27 મીટર છે. અત્યારે ડેમમાં 3764.70 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે, જે કુલ સંગ્રહશક્તિના 78.81% ટકા છે. હાલ ડેમમાં પાણીની આવક 32,954 ક્યૂસેક છે. એની સામે 45,423 ક્યૂસેક પાણીનો જથ્થો કેનાલમાં વહાવાઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.27 મીટર પહોંચી છે. ડેમમાં પાણીનો કુલ જીવંત જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post