• Home
  • News
  • કોરોનામુક્ત નવસારીમાં વધુ 3 કેસ અને વલસાડમાં ચાર દિવસમાં 11 કેસ નોંધાયા
post

દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગ જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:39:07

સુરત: દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. કોરોના મુક્ત થઈ ગયેલા નવસારી જિલ્લામાં વધુ 3 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના મુક્ત થવા આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં જ 11 કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો થતા વલસાડ અને નવસારી જિલ્લમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલાને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે.

નવસારીમાં 12માં દિવસે નવા કેસ પુન: નોંધાયા

ત્રણ લોકડાઉન સુધીમાં નવસારી જિલ્લામાં 8 કેસ નોંધાયા હતા. 16મી એ કડોલીના યુવાનને કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા અપાતા જિલ્લો કોરોનામુક્તબન્યો હતો, જોકે પુન: 3 જ દિવસમાં 19મીએ પુન: જિલ્લો કોરોનાયુક્ત બની ગયો છે. વધુ 3 કેસ નોંધાતા જિલ્લાના અત્યારસુધીના કોરોના પોઝિટિવ કેસ 11 થયા છે. નવસારી જિલ્લાનો છેલ્લો 8મો કોરોના પોઝિટિવ કેસ કડોલી ગામમાં 7મી મે એ બહાર આવ્યો હતો. સતત 11 દિવસ નવો કેસ જિલ્લામાં આવ્યો ન હતો. 12માં દિવસે નવો કેસ પુન: નોંધાયો છે.

નવસારીમાં મુંબઇથી આવેલા દંપતીનો રિપોર્ટ પોઝિટિવ

નવસારી જિલ્લો કોરોનામુક્ત થયોને ચાર દિવસમાં જ નવસારી જિલ્લામાં નવા 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. વાંસદા તાલુકો અત્યાર સુધી કોરોનામુક્ત રહ્યો હતો ત્યારે 2 કેસ સાથે વાંસદા તાલુકામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. મુંબઇથી આવેલા દંપતી નરેશભાઈ બચુભાઇ પટેલ (ઉ.વ. 34) અને તમન્નાબેન પટેલ (ઉ.વ. 33)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ચીખલી તાલુકો કોરોનામુક્ત બન્યા બાદ ફરી 1 કેસ નોંધાતા ચીખલી તાલુકો કોરોનામુક્ત રહ્યો નથી. મુંબઈથી ચીખલી તાલુકાના કુકેરી ખાતે આવેલો 18 વર્ષીય અમર અશોકભાઈ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વલસાડમાં એક જ પોઝિટિવ એક્ટિવ હતો અને વધુ 11 કેસ નોંધાયા

ત્રણ લોકડાઉન સુધીમાં વલસાડ જિલ્લામાં 6 કેસ જ હતા. જેમાંથી પાંચ રિકવર થઈ જતા એક જ કેસ એક્ટિવ હતો. દરમિયાન લોકડાઉન ચારના શુભારંભ સાથે જ વાપીમાં કોરોના પોઝિટિવના કેસોમાં છેલ્લા ચાર દિવસમાં વધારો થયો છે. વાપીમાં છેલ્લા ચાર દિવસમાં કુલ 11 કેસોની સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 17 ઉપર પહોંચી છે.  ગત રોજ જિલ્લા આરોગ્ય વિભાગે વાપીના ચલા સ્થિત સત્તાધાર સોસાયટીમાં રહેતા અને વાપી વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં બે યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.

વાપીમાં પોઝિટિવે કોરોન્ટાઇનના બદલે શાકભાજી વેચી

કોરોના પોઝિટિવ દર્દી રવિ ગોરખ જયસ્વાલ અને અનુ સંતોષ જયસ્વાલ ચારેક દિવસ અગાઉ ચોરી છૂપીથી ઉત્તરપ્રદેશથી વાપી આવ્યા હતા. આ સંદર્ભે  પોલીસ કે આરોગ્ય વિભાગને જાણ કર્યા વિના જ તેઓ ઘરે રહેતા હતા. આ ઉપરાંત વતનથી આવ્યા બાદ વાયબ્રન્ટ માર્કેટમાં શાકભાજીનો વેપાર પણ કરતા હતા. પોલીસ અને આરોગ્ય વિભાગે બંને યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતાં તેની તપાસ હાથ ધરી છે. બુધવારથી વાયબ્રન્ટ માર્કેટ બંધ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post