• Home
  • News
  • પરીક્ષાના પહેલા દિવસે જ મોત:વડોદરા પાસે બેફામ જઈ રહેલા ડમ્પરના ટાયરમાં 3 સ્ટુડન્ટ એક્ટિવા સાથે ફસાયા, વલસાડની વિદ્યાર્થિનીનું મોત
post

એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને ઇજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 18:22:41

વડોદરાના વાઘોડિયા પાસે એક્ટિવા સવાર બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીને પૂરપાટ જઇ રહેલા ડમ્પરે અડફેટે લીધા હતા, ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના પાછળના ટાયરમાં એક્ટિવા સાથે ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવાચાલક સહિત બે સ્ટુડન્ટને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આજથી પરીક્ષા શરૂ થતી હોવાથી ત્રણેય સ્ટુડન્ટ પરીક્ષા આપવા માટે સવારે નીકળ્યા હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ડમ્પરચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના ટાયરમાં ફસાયા
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા નરેન્દ્રભાઈ રાણા વડોદરાની ખાનગી કોલજમાં એરોનોટિકલ ડિપ્લોમામાં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આજે સવારે ઇશા અને તેની સાથે અભ્યાસ કરતો મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી અમરીશસિહ વિહોલ આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે કોલેજમાં એક્ટિવા પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન અલવા ગામ તરફથી પૂરપાટ આવી રહેલા ડમ્પરે એક્ટિવા સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. ડમ્પરે અડફેટે લેતાં એક્ટિવાસવાર સહિત ત્રણેય ડમ્પરના પાછળના વ્હીલમાં બંને વિદ્યાર્થિની ફસાઈ ગઇ હતી અને એક્ટિવાચાલક વિદ્યાર્થીનો પગ પણ વ્હીલમાં ગયો હતો.

વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત
આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર વચ્ચે બેઠેલી ઈશા રાણાનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વાજીદઅલી અને ખુશીને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતાંની સાથે સ્થાનિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં અને ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. બીજી બાજુ, પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે દોડી ગયા હતા. આ સાથે વાઘોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણેય સ્ટુડન્ટ પરીક્ષા આપવા નીકળ્યા હતા
અકસ્માતમાં મોતને ભેટેલી ઇશા રાણા અને તેની બહેન પાયલ વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે પેઇન ગેસ્ટ તરીકે રહે છે અને બંને એક કોલેજમાં અભ્યાસ કરે છે. આજે પાયલને કોલેજમાં રજા હોવાથી તે કોલેજ ગઇ ન હતી, પરંતુ આજથી ઇશાની પરીક્ષા શરૂ થતી હોવાથી તે તેની સાથે અભ્યાસ કરતા ફ્રેન્ડ સાથે પરીક્ષા આપવા ગઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post