• Home
  • News
  • હવે બૉલિવૂડે બાંયો ચડાવી:શાહરુખ, આમિર, સલમાન, કરણ જોહર સહિત 38 પ્રોડ્યુસરોએ બેજવાબદાર રિપોર્ટિંગ બદલ રિપબ્લિક TV અને ટાઇમ્સ નાઉ સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો
post

ફરિયાદમાં મીડિયા ટ્રાયલ, સમગ્ર બોલિવૂ઼ડ અને તેમાં સામેલ લોકો સામે અપશબ્દોનો પ્રયોગ, રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ જેવી ફરિયાદો કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 12:01:43

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ જે રીતે બૉલિવૂડને ટાર્ગેટ કરીને ચોવીસે કલાકની મીડિયા ટ્રાયલ શરૂ કરી હતી તેની સામે હવે બૉલિવૂડે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બૉલિવૂડનાં 38 પ્રોડક્શન હાઉસ અને સંસ્થાઓએ ન્યૂઝ ચેનલો સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દાખલ થયેલી FIRમાં રિપબ્લિક ટીવી અને તેના અર્નબ ગોસ્વામી તથા પ્રદીપ ભંડારી ઉપરાંત ટાઇમ્સ નાઉ ચેનલનાં નવિકા કુમાર તથા રાહુલ શિવશંકરનાં નામો છે.

આખું બૉલિવૂડ એકસાથે
ફાઇલ થયેલી આ FIRમાં પહેલી જ વાર આખું બોલિવૂડ એકસાથે આવ્યું છે. તેમાં તમામ મોટાં પ્રોડક્શન હાઉસ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી સંસ્થાઓ સામેલ થઈ છે. આ લિસ્ટમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, કરણ જોહર, અક્ષય કુમાર, અજય દેવગણ, આદિત્ય ચોપરા, ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, સિદ્ધાર્થ રોય કપૂર, આર. બાલ્કી, રોહિત શેટ્ટી, અનુષ્કા શર્મા, રાકેશ રોશન, સાજિદ નડિયાદવાલા વગેરે તમામ મોટાં ફિલ્મમેકર્સનાં પ્રોડક્શન હાઉસ સામેલ છે. આ ઉપરાંત આ ફરિયાદ કરવામાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ઼્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન અને સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન જેવી સંસ્થાઓ પણ સામેલ છે.

દાખલ થયેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે બોલિવૂડ અને તેના સભ્યોની વિરુદ્ધ બેજવાબદાર, અપમાન જનક ટિપ્પણીઓ ન કરવી જોઇએ અને મીડિયા ટ્રાયલ ન ચલાવવી જોઇએ તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના રાઇટ ટુ પ્રાઇવસીને માન આપવું જોઇએ.

ફરિયાદમાં એ પણ લખવામાં આવ્યું છે કે ચેનલોએ 'ડર્ટ' (ધૂળ), 'ફિલ્થ' (ગંદકી), 'સ્કમ', 'ડ્રગીઝ' (નશાના બંધાણી) જેવા અપમાનજનક શબ્દો અને 'અરેબિયાનું તમામ પર્ફ્યૂમ પણ બોલિવૂડના અંદરખાને ખદબદતી ગંદકીની દુર્ગંધ છુપાવી શકશે નહીં' જેવા શબ્દપ્રયોગો વાપર્યા હતા.

TRP કૌભાંડ
ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ટીવી હજુ ગયા અઠવાડિયે જ પૈસા આપીને ઊંચા TRP ખરીદવાના મુંબઈ પોલીસ દ્વારા કરાયેલા કેસમાં સંડોવાયેલું છે. હવે અત્યાર સુધી શાંત રહેલું બોલિવૂડ પહેલી જ વાર એકસાથે સામે આવ્યું છે. ત્યારે દિલ્હી હાઇકોર્ટ આ મુદ્દે કેવું વલણ લે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post