• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રેકોર્ડ્સનો વરસાદ વરસ્યો:ગિલે ઈમામ ઉલ હકને પાછળ છોડ્યો; ટીમ ઈન્ડિયાએ એક જ વન-ડેમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા
post

શુભમન ગિલ વન-ડે ક્રિકેટમાં 21 ઇનિંગ્સમાં વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-25 18:17:04

ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવીને સિરીઝ 3-0થી ક્લિન સ્વિપ કરી લીધી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ઓપનર શુભમન ગિલ, કેપ્ટન રોહિત શર્મા અને ટીમે 8 મોટા રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે આ સ્ટોરીમાં આપણે એ રેકોર્ડ્સ વિશે જાણીશું...

1. ગિલ 21 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
શુભમન ગિલ વન-ડે ક્રિકેટમાં 21 ઇનિંગ્સમાં વિશ્વનો સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે 21 વન-ડેની 21 ઇનિંગ્સમાં 73.76ની એવરેજથી 1254 રન બનાવ્યા છે. ગિલની પહેલાં આ રેકોર્ડ પાકિસ્તાનના ઈમામ ઉલ હકના નામે હતો. ઈમામે તેની કરિયરની પહેલી 21 ઇનિંગ્સમાં 60.56ની એવરેજથી 1090 રન બનાવ્યા હતા.

એટલું જ નહીં, 22, 23 અને 24 ઇનિંગ્સ પછી પણ ગિલ સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. કારણ કે 24 ઇનિંગ્સ પછી સૌથી વધુ રનનો રેકોર્ડ 1194 રન (જોનાથન ટ્રોટ, ઇંગ્લેન્ડ)નો છે. ગિલ આનાથી વધુ રન બનાવી ચૂક્યો છે. 25 ઇનિંગ્સનો રેકોર્ડ બાબર આઝમના નામે છે. બાબરે તેની પ્રથમ 25 ઇનિંગ્સમાં 1306 રન બનાવ્યા હતા. એટલે કે જો ગિલ આગામી ત્રણ ઇનિંગ્સમાં 53 રન બનાવી લેશે તો બાબરનો રેકોર્ડ પણ તૂટી જશે.

2. બાબરના 7 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
ગઈકાલે ફટકારેલી શાનદાર સદીની ઇનિંગની મદદથી ગિલે બાબર આઝમના સાત વર્ષ જૂના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ ત્રણ મેચની વન-ડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2016માં બાબરે વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 360 રન બનાવ્યા હતા. ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની સિરીઝમાં પણ 360 રન બનાવ્યા છે.

3. ન્યૂઝીલેન્ડની સામે બીજો મોટો સ્કોર
ટીમ ઈન્ડિયાએ ગઈકાલની મેચમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. તેઓએ 385/9નો સ્કોર બનાવ્યો હતો. જો તેઓએ ગઈકાલે 8 રન વધુ કર્યા હોત, તો વન-ડેમાં કિવીઝ સામે સૌથી વધુ સ્કોર બની જાત. ભારતે 2009માં ક્રાઇસ્ટ ચર્ચ વન-ડેમાં કિવીઝ સામે 392/4નો સ્કોર બનાવ્યો હતો.

4. કિવીઝની સામે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ
રોહિત શર્મા અને શુભમન ગિલે ન્યૂઝીલેન્ડની સામે વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવી લીધો છે. આ બન્નેએ પહેલી વિકેટ માટે 212 રન જોડ્યા હતા. આની પહેલાંનો આ રેકોર્ડ વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરના નામે હતો. આ બન્નેએ 2009માં હેમિલ્ટનમાં 201 રન જોડ્યા હતા.

5. ભારત તરફથી એક વન-ડેમાં સૌથી વધુ છગ્ગા
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતના તમામ બેટર્સે મળીને 19 છગ્ગા ફટકાર્યા હતા. આ વન-ડેમાં સૌથી વધુ છગ્ગા મારવાના અગાઉના ભારતીય રેકોર્ડની બરાબરી કરી છે. ભારતીય ટીમે 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે પણ 19 સિક્સ ફટકારી હતી. ત્યારે એકલા રોહિત શર્માએ જ 16 સિક્સ ફટકારી હતી.

6. સચિન અને વિરાટ પછી રોહિત
રોહિત શર્માએ વન-ડે કરિયરની 30મી સદી ફટકારી હતી. આની સાથે, તેમણે રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. હવે આ લિસ્ટમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી તેમની આગળ છે. એટલે કે તેઓ હવે વન-ડેમાં સેન્ચુરી ફટકારવામાં ત્રીજા નંબરે આવી ગયા છે.

7. 23 વર્ષની વયે સૌથી વધુ પ્લેયર ઑફ ધ મેચ
શુભમન ગિલે વધુ એક રેકોર્ડની બરાબરી કરી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં 360 રન બનાવ્યા હતા. એટલે તેમને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ 23 વર્ષની ઉંમરે સૌથી વધુ પ્લેયર ઑફ ધ સિરીઝનો અવોર્ડ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. શુભમને ત્રીજીવાર પ્લેયર ઑફ ધ સિરીઝનો અવોર્ડ જીત્યો છે.

8. સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ભારતીય ઓપનર
શુભમન ગિલ સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ભારતીય ઓપનર બની ગયો છે. તે અગાઉ જ સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ભારતીય બેટર બન્યો હતો. પણ ગઈકાલે તેણે સૌથી ઝડપી 1000 રન પૂરી કરનાર ભારતીય ઓપનર બન્યો છે.