• Home
  • News
  • જૂનાગઢ : 5.51 લાખ યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી, આવનારાઓનો પ્રવાહ ઘટ્યો
post

ખેતીકામ અને વાવાઝોડાની સંભાવનાને કારણે 50 ટકા સંખ્યા ઘટ્યાનું અનુમાન

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-11 11:45:05

જૂનાગઢ: વિધિવત રીતે કારતક સુદ અગિયારસ (8 નવેમ્બર)ના દિવસે શરૂ થાય તે પહેલા ભાવિકોની ભીડ વધી જતા એક દિવસ વહેલી એટલે કે કારતક સુદ દસમ(7 નવેમ્બર)ની મધ્યરાત્રીથી જ લીલી પરિક્રમાનો પ્રારંભ કરી દેવાયો હતો. આમ, એક દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા 2 દિવસ વહેલી પૂર્ણ થઇ જશે તેવું હાલના તબક્કે અનુમાન થઇ રહ્યું છે. હાલમાં પરિક્રમામાં પ્રવેશ કરનારાની સંખ્યા માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી જ રહી જવા પામી છે. માત્ર એકદ દોકલ લોકો જ હવે પ્રવેશ કરી રહ્યા છે. જ્યારે મોટાભાગના યાત્રીકો પરિક્રમા પૂરી કરી પરત ફરી રહ્યા છે. દરમિયાન 5,51,844 લોકોએ નળપાણીની ઘોડી વટાવી લઇ પરિક્રમા પૂર્ણ કરી લીધી હોવાનું વન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે.

 

વધુ એક પરિક્રમાર્થીનું મોત :

આમ, ગિરનાર જંગલ-પરિક્રમાના રૂટ પણ રહેલા પરિક્રમાર્થીની સંખ્યા ઝૂઝ હોવાનું જણાઇ રહ્યું છે. દરમિયાન 63,710 પરિક્રમાર્થીઓ ગિરનાર પર્વત ચઢ્યા હતાં. પરિક્રમા દરમિયાન વધુ એક પરિક્રમાર્થીનું મોત થયું છે. 9 નવેમ્બરના રોજ 2 યાત્રીકોના મોત થયા હતા. દરમિયાન 10 નવેમ્બરના રોજ વધુ એક યાત્રીકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદથી પરિક્રમા કરવા આવેલા જીજ્ઞેશભાઇ ઠાકર નામના 46 વર્ષિય યુવાનનું નળપાણીની ઘોડી પાસે મોત થયું છે. આમ, પરિક્રમા દરમિયાન મૃત્યું આંક 3 પર પહોંચ્યો છે. દર વર્ષે 10 લાખથી વધુની સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે આવતા હોય છે. જ્યારે ચાલુ વર્ષે ખેતીના કામ, વાવાઝોડાની સંભાવનાના કારણે 50 ટકા પરિક્રમાર્થીની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશને ભીડ :

5.5 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હોય તેઓ માદરે વતન જવા નિકળી ગયા છે. પરિણામે વનત જવા ઇચ્છતા ભાવિકોની બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી.

 

શહેરમાં આવતા વાહનો ખાલી, જતા વાહનો ફૂલ :

પરિક્રમા અંતિમ ચરણમાં હોય હવે જૂનાગઢ આવનાર ભાવિકોની સંખ્યા નહિવત હોય શહેરમાં આવતા મોટાભાગના વાહનો ખાલીખમ્મ જોવા મળી રહ્યા છે. જયારે શહેરથી બહાર જતા તમામ વાહનોમાં ચિક્કાર ગિર્દી જોવા મળી રહી છે.


ખાનગી વાહન ચાલકોને તડાકો:

પરિક્રમા પૂર્ણ કરી વતન જવા માટે ભાવિકોએ ધસારો કરતા ખાનગી વાહન ચાલકોને ભારે તડાકો પડી ગયો છે. લોકો ખાનગી બસ, ફોરવ્હિલ, રિક્ષા વગેરે હાથ આવ્યું વાહન પકડી વતન જઇ રહ્યા હોય આવા વાહન ચાલકોને ધૂમ કમાણી થઇ રહી છે.

 

રેલ્વે સ્ટેશનથી દોલતપરા સુધી ટ્રાફિક :

પરિક્રમા પૂર્ણ કરી વતન જવા માટે લોકો નિકળી પડતા રેલ્વે સ્ટેશનથી લઇને છેક દોલતપરા સુધી ટ્રાફિક જામ રહે છે. એમાંયે મજેવડી દરવાજા પાસે તો ભારે ટ્રાફિક રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post