• Home
  • News
  • ઝિમ્બાબ્વે સિરીઝમાં 5 ખેલાડી પર નજર રહેશે:એશિયા કપ પહેલાં આવેશ અને અર્શદીપની પરીક્ષા, કુલદીપ-ઈશાને પણ સારો દેખાવ કરવો પડશે
post

ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતને આરામ અપાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 18:09:21

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે. કેએલ રાહુલના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ અહીં વન-ડે સિરીઝ રમશે. આ માટે ભારતે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. ભારતે ઝિમ્બાબ્વેમાં અત્યારસુધી 23 વન-ડે મેચ રમી છે, જેમાં ટીમે 19 મેચ જીતી છે અને માત્ર 4 મેચ હારી છે. અહીં ભારતે છેલ્લી વન-ડે સિરીઝ 2016માં રમી હતી, જેમાં ભારતનો 3-0થી જીત મેળવી હતી. ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતને આરામ અપાયો છે. આ સમયે યુવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક મળશે. ઈશાન કિશન અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ પાસે સારું પ્રદર્શન કરી પોતાનો પક્ષ મજબૂત કરવાની તક છે. ચાલો... જોઈએ કે ઝિમ્બાબ્વે સિરીઝમાં કયા પાંચ ખેલાડી પર બધાની નજર રહેશે.

દીપક ચાહર:

લાંબા સમય બાદ ટીમમાં પુનરાગમન કરી રહેલા દીપક ચાહર પાસેથી ટીમ ઈન્ડિયાને ઘણી આશા છે. ઈજાને કારણે આ ખેલાડી IPL 2022માં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો હિસ્સો ન હતો. દીપકને એશિયા કપ 2022માં પણ ટીમ ઈન્ડિયામાં સ્ટેન્ડબાય રખાયો છે. આવામાં કેએલ રાહુલના સુકાનીપદ હેઠક તે રમતો જોવા મળી શકે છે. દીપકને ફેબ્રુઆરીમાં વેસ્ટઇન્ડીઝ સામે T20 સિરીઝ દરમિયાન ઈજા થઈ હતી.

કુલદીપ યાદવ:

એશિયા કપ 2018માં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર કુલદીપ યાદવ પર બધાની નજર રહેશે. 2018ના એશિયા કપમાં તેણે 6 મેચમાં 10 વિકેટ લીધી હતી. આ વખતે તેની જગ્યાએ એશિયા કપમાં રવિ બિશ્નોઈને તક મળી છે. આવામાં ઝિમ્બાબ્વે સામે કુલદીપને પોતાની જાતને સાબિત કરવાની તક મળશે. ચહલ ટીમમાં ન હોવાથી દરેક મેચમાં તેને તક મળશે એવી શક્યતા છે.નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. અહીંના ગ્રાઉન્ડ મોટા હોય છે. આવામાં કુલદીપના બોલ પર શોટ મારવો કોઈપણ બેટ્સમેન માટે સરળ નહીં હોય. જો સારું પ્રદર્શન કરશે તો સિલેક્ટર તેને તક આપી શકે છે.

ઈશાન કિશન:

એશિયા કપમાં સ્થાન નથી મળ્યું, પરંતુ ઝિમ્બાબ્વે સામે તેના પર પણ બધાની નજર છે. 24 વર્ષના કિશને ભારત માટે 3 વન-ડે માં 88 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 59 છે. તેની એવરેજ 29.33 અને સ્ટ્રાઈક રેડ 107.32 છે. જોકે 19 T-20 મેચમાં તે 543 રન બનાવી ચૂક્યો છે. 30.16ની એવરેજ અને 131.15નો સ્ટ્રાઈક રેટ છે. આ સિરીઝમાં ઈશાનને તક મળશે તો તે પોતાનો રેકોર્ડ સુધારશે.

અર્શદીપ સિંહ:

ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને IPL અને વેસ્ટઈન્ડીઝ સામેની સિરીઝમાં સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. અર્શદીપ એશિયા કપમાં પસંદ કરાયેલી ટીમનો ભાગ પણ છે. વર્તમાન સમયમાં ભારતીય ટીમમાં અર્શદીપ એકમાત્ર ડાબોડી ફાસ્ટ બોલર છે. આવામાં ઝિમ્બાબ્વે સામે પણ સારું પ્રદર્શન કરી ટીમ સિલેક્ટરોએ તેના પર મૂકેલા વિશ્વાસને સાબિત કરવો પડશે. અર્શદીપે 6 T20માં નવ વિકેટ લીધી છે. વન-ડેમાં હજુ તેણે ડેબ્યુ કર્યું નથી.

આવેશ ખાન:

ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર સતત ફ્લોપ થઈ રહ્યો છે, સાથે તેને તક પણ મળી રહી છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ એશિયા કપમાં આવેશ ખાનની પસંદગી થઈ છે. 13 T20માં આવેશ ખાને 11 વિકેટ લીધી છે. તેના માટે ઝિમ્બાબ્વેની સિરીઝ મહત્ત્વપૂર્ણ છે.