• Home
  • News
  • થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિનાં 57000 પક્ષીઓ નોંધાયાં, 2018 કરતાં 142% વધુ
post

આ વર્ષે પહેલીવાર રેડ ક્રેસ્ટેડ પોકાર્ડ નામનું પક્ષી જોવા મળ્યું છે. જેની સંખ્યા 20થી 22ની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:30:31

થોળઃ મહેસાણાનું થોળ પક્ષી અભયારણ્ય વિદેશી પક્ષીઓનું એરોડ્રામ બની ગયું છે. આ બાબત વન વિભાગના આંકડા કહી રહ્યા છે. 2018માં કરાયેલી પક્ષી ગણતરીમાં અહીં 92 પ્રજાતિનાં 40,000 જેટલાં પક્ષીઓ નોંધાયાં હતાં. જ્યારે આ વર્ષે હમણાં જ થયેલી ગણતરીમાં 87 પ્રજાતિનાં 57,000 જેટલાં પક્ષી જોવા મળ્યાં છે. જે 142 ટકા જેટલા વધુ છે. પક્ષીવિદો અને વન વિભાગના મતે, હાલ તળાવમાં પાણીનું સ્તર વધુ છે. એપ્રિલ-મે મહિનામાં પાણીની સપાટી ઘટતાં હજુ ફ્લેમિંગો અને પેલિકન હજારોની સંખ્યામાં જોવા મળશે. આ વર્ષે પહેલીવાર રેડ ક્રેસ્ટેડ પોકાર્ડ નામનું પક્ષી જોવા મળ્યું છે. જેની સંખ્યા 20થી 22ની છે.


એપ્રિલ- મે માસમાં હજુ વધુ પક્ષીઓ મહેમાન બનશે
થોળમાં સામાન્ય રીતે 225 પ્રજાતિનાં પક્ષીઓ હોય છે, પરંતુ આ વર્ષે તળાવમાં પાણી વધારે હોઇ પક્ષી ઝાડ ઉપર બેસી રહે છે. જે પાણીની સપાટી ઘટતાં બહાર આવે છે. જેથી તેની ગણતરી થઇ શકતી નથી. પાણી ઘટવાનું શરૂ થયું છે, એપ્રિલ- મે માસમાં હજુ વધુ પક્ષીઓ જોવા મળશે. હાલ બારહેડેડ ગુસ, ગ્રે લેગ ગુસ, ગ્રેટ વ્હાઇટ અને સ્થાનિક પક્ષીઓ વધારે પ્રમાણમાં જોવા મળ્યા છે. આ વર્ષે નવીન પક્ષી રેડ ક્રેસ્ટેડ પોકાર્ડ 20થી 22 જોવા મળ્યા છે. - રાજુભાઇ, પક્ષીવિદ


પાણી ઘટતાં ફ્લેમિંગો,પેલિકન હજારોની સંખ્યામાં જોવા મળશે
2018માં 92 અને આ વર્ષે 87 પ્રજાતિનાં પક્ષી જોવા મળ્યાં છે. કારણ કે, હાલ પાણીની સપાટી વધારે છે. પાણીનું સ્તર ઘટતાં હજુ વધારે પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળશે. આ વખતે પક્ષીઓ વધારે સંખ્યામાં છે. એપ્રિલ-મે માસમાં હજુ વધુ પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળશે. આ વખતે વોટરબર્ડની ગણતરી થઇ હોય તેમ લાગે છે. બીજા વનવગડાના પક્ષીઓ તો હજુ વધારે પ્રમાણમાં હોય છે અને તે બારેમાસ જોવા મળે છે. પાણીની સપાટી ઘટતાં હજુ ફ્લેમિંગો અને પેલિકન વધારે જોવા મળશે, જે હજારોની સંખ્યામાં હશે. - બ્રિજેશભાઈ ચૌધરી, ડીએફઓ


પહેલીવાર આવ્યું રેડ ક્રેસ્ટેડ પોકાર્ડ
રેડ ક્રેસ્ટેડ પોકાર્ડ, આ એક મોટી ડ્રાઇવિંગ બતક છે. તે મુખ્યત્વે દક્ષિણ યુરોપ અને મધ્ય એશિયામાં જોવા મળે છે. શિયાળો મહદઅંશે આફ્રિકામાં જ ગાળતા હોય છે. તે વનસ્પતિ વચ્ચે અને તળાવની બાજુમાં માળા બનાવે છે અને 8 થી 12 ઇંડાં મૂકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post