• Home
  • News
  • AMTSનું લાલ દરવાજા બસ ટર્મિનસનું 8 કરોડના ખર્ચે કરેલું રિડેવલપમેન્ટ પાણીમાં, સાત મહિનામાં જ RCC રોડ ઘસાઈ ગયો
post

રોડ સાત મહિનામાં જ તૂટી જાય તો AMTS બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 19:08:00

અમદાવાદીઓની લાઈફલાઈન ગણાતી AMTS બસનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલ દરવાજા બસ ટર્મિનસને રૂ.8 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરી મુખ્યમંત્રી દ્વારા તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે બસ સ્ટેન્ડ શરૂ કરાયાના સાત મહિનામાં જ બસ ટર્મિનસનો RCC રોડ ઘસાઈ ગયો અને તૂટી ગયો છે. 10 વર્ષ સુધી રોડમાં કોઈ તકલીફ ન થાય તેવા દાવા કરતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધિશોની પોલ ખૂલી ગઈ છે. રોડ સાત મહિનામાં જ તૂટી જાય તો AMTS બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય છે.

રોડને કોન્ટ્રાક્ટર તેના ખર્ચે રીપેર કરશે
AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ  વાતચીતમાં જણાવ્યું હતું કે, લાલ દરવાજા બસ સ્ટેન્ડમાં જે આરસીસી રોડ છે તે કેટલીક જગ્યાએ ખરાબ થઈ ગયો છે. જેથી આ રોડને કોન્ટ્રાક્ટર તેના ખર્ચે રીપેર કરશે.

કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજસ્થાનના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરી હેરિટેજ લુક ધરાવતું લાલદરવાજા AMTS બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. જેનું સાત મહિના પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બસ ટર્મિનસના નિર્માણમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. લોકાર્પણને એક વર્ષ પણ થયું નથી. ત્યાં જ આરસીસી રોડ ખરાબ થઈ ગયો છે. બસ ટર્મિનસના આરસીસી રોડ ઘસાઈ ગયા છે અને ખાડા પડી જતા શ્રીજી કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.

રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો
લાલ દરવાજા બસ સ્ટેન્ડના નવીનીકરણ સમય મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે સુપરવિઝન ન કરવામાં આવતા એક વર્ષ પહેલાં જ રોડ ઉખડી ગયો છે. સ્વાભાવિક રીતે જ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિડેવલપમેન્ટ તથા નવા બનાવવામાં આવતા બાંધકામોમાં થોડા સમયમાં જ ખાડા પડતા હોવાની ઘટના આવી રહી છે. ખોખરા અનુપમ ઓવરબ્રિજમાં પણ RCC રોડ ઘસાઈ જતા તેને રીપેર કરવો પડ્યો હતો.


adv

Related News

post
post
post
post
post
post
post