• Home
  • News
  • UPમાં માર્ગ દુર્ઘટનામાં 8નાં મોત, 30 ઘાયલ:લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, રસ્તા પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં
post

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, અધિકારીઓને રાહત કામે મોકલ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 18:43:43

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બુધવારે મોટી દુર્ઘટના બની છે. એરા બ્રિજ પર પૂરઝડપે આવતી ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ચિથરાં ઊડી ગયાં હતાં. બસમાં ડ્રાઈવર સહિત 65 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોનાં મોત થઈ ગયાં છે. 30 લોકો ઘાયલ થયાની આશંકા વર્તાઈ રહી છે. લખીમપુર ખીરીના ADM સંજયકુમાર સિંહ જણાવે છે કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને લખનઉ રિફર કરવામાં આવ્યા છે. અન્ય લોકોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

અથડામણને કારણે બસનો કચ્ચરઘાણ વળી ગયો અને અનેક મૃતદેહો તેમાં ફસાઈ ગયા હતા. પોલીસે બસની બોડીને ગેસ કટર વડે કાપીને મૃતદેહ અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. બસ ધૌરહરાના ઈશાનગરથી લખનઉ જઈ રહી હતી, જ્યારે ટ્રક પંજાબ તરફથી આવી રહી હતી. આ દુર્ઘટના NH-730ના એરા બ્રિજ પર થઈ હતી. આ પછી હાઈવેની બંને બાજુ લગભગ 8 કિમી જેટલો જામ થઈ ગયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ડીએમ અને એસપીને ઘટનાસ્થળે મોકલ્યા.

ડ્રાઈવર પૂરઝડપે બસ ચલાવી રહ્યો હતો, ના પાડવા છતાં માન્યો નહીં
બસમાં સવાર એક મુસાફરે કહ્યું, '65 મુસાફરોને લઈને બસ ધૌરહરાથી લખનઉ તરફ આવી રહી હતી. ડ્રાઈવર ખૂબ જ ઝડપે બસ ચલાવી રહ્યો હતો. મુસાફરોએ સ્પીડ ઘટાડવાનું કહ્યું, પરંતુ ડ્રાઈવર માન્યો નહીં. આ જ કારણ છે કે બ્રિજ પર સામેથી આવી રહેલી ટ્રક સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 4 મુસાફરો અને ટ્રકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કંડક્ટરનું જિલ્લા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

4 યુવાન, એક મહિલા અને એક બાળકનું મોત
દુર્ઘટનામાં ચાર યુવાન, એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. અન્ય બે મૃતદેહ વિશે પૂરી જાણકારી નથી. ઘટનાની જાણ થતાં ધૌરહરાના ભાજપ ધારાસભ્ય વિનોદ શંકર અવસ્થી જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓની યોગ્ય સારવાર ન કરવાને લઈને ધારાસભ્યની ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહ અને હોસ્પિટલના સીએમઓ સાથે દલીલ થઈ હતી. ધારાસભ્યએ કહ્યું કે જિલ્લા હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે મુસાફરોની સારવારમાં વિલંબ થયો.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, અધિકારીઓને રાહત કામે મોકલ્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલીને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post