• Home
  • News
  • પાંચ વર્ષમાં 830 ટ્રેપ:5 વર્ષમાં 1900 સરકારી અધિકારી-કર્મચારીઓ લાંચ લેતા પકડાયા, કેસોની સામે સજાનો દર 11 ટકા વધ્યો
post

2020માં બેનામી સંપત્તિના 19 ગુના દાખલ થયા, 2016થી 2020 સુધીમાં 75થી વધુ પાસેથી અપ્રમાણસર મિલકત મળી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 10:41:30

તાજેતરમાં ગુજરાત એસીબીએ સૌથી મોટી કાર્યવાહી કરી કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડથી વધુની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં એસીબીએ બેનામી સંપત્તિના 75થી વધુ ગુના દાખલ કર્યા છે. જ્યારે પાંચ વર્ષમાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ રાજ્યભરમાં 830થી વધુ ટ્રેપ કરી 1990થી વધુ સરકારી અધિકારી-કર્મચારીઓ, 643 ખાનગી માણસો મળી કુલ 2630થી વધુને પકડ્યા છે. સુરતમાં સૌથી વધુ 637 લોકો લાંચ લેતા પકડાયા છે.

એસીબીએ 37 શહેર-જિલ્લાનું અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ અને બોર્ડર એમ સાત યુનિટમાં વિભાજન કર્યું છે. આ તમામ શહેર-જિલ્લાઓમાં એસીબીએ પાંચ વર્ષમાં કરેલી ટ્રેપમાં વડોદરા યુનિટ દર વર્ષે આગળ રહ્યું છે. વડોદરા યુનિટે સૌથી વધુ 175 ટ્રેપ કરી 350 સરકારી બાબુ અને 90 ખાનગી માણસોને પકડ્યા છે. સુરતમાં 135 અને અમદાવાદમાં 133 ટ્રેપ એસીબીએ કરી છે. જ્યારે 114 ટ્રેપ સાથે મહેસાણા ચોથા ક્રમે, 105 ટ્રેપ સાથે રાજકોટ 5મા ક્રમે, 102 ટ્રેપ સાથે બોર્ડરના જિલ્લા છઠ્ઠા ક્રમે, 70 ટ્રેપ સાથે જૂનાગઢ જિલ્લો સાતમા ક્રમે છે. ભ્રષ્ટ સરકારી બાબુઓને પકડવા છેલ્લા ઘણા સમયથી એસીબીને વધારે સક્રિય કરાયું છે. આ પાંચ વર્ષોમાં લાંચ-રુશ્વતના કેસોમાં સજાનો દર 23 ટકાથી વધીને 34 ટકા થયો છે.

5 વર્ષમાં કન્વિક્શન રેટ 2019માં સૌથી વધુ રહ્યો
એસીબીની કામગીરી બાદ કોર્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સજા પામેલા આરોપીઓનો કન્વિક્શન રેટ વર્ષ 2019માં વધુ રહ્યો છે. વર્ષ 2015માં કન્વિક્શન રેટ 19 ટકા, 2016માં 23 ટકા, 2017માં 29 ટકા, 2018માં 34 ટકા અને 2019માં 39 ટકા કન્વિક્શન રેટ રહ્યો હતો.

 

કિસ્સો 1, 2017ઃ મેડિકલના વિદ્યાર્થીઓને પાસ કરવા કુલ રૂ. 102 કરોડ લીધા
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહની મેડિકલના વિદ્યાર્થીને પાસ કરવાના 20 લાખ લાંચ લેવા બદલ ધરપકડ થઈ હતી. તેમના ઘરેથી 102 કરોડની કિંમતના 220 ચેક મળ્યા હતા, જે તેમણે વિદ્યાર્થીઓને પાસ કરવા બદલ લીધા હોવાનું ખૂલ્યું હતું.

કિસ્સો 2, 2019ACBના PI જ પ્રસાદ બોક્સમાં 18 લાખની લાંચ લેતા ઝડપાયા
જૂનાગઢ એસીબીના પીઆઈ ડી. ડી. ચાવડાએ ગૌચર જમીનના કેસમાં એક ભૂતપૂર્વ સરપંચ પાસે આરોપીને સાક્ષી તરીકે લેવાના 20 લાખ માગ્યા હતા. પીઆઈ ચાવડા સનાથલ પાસે પ્રસાદના બોક્સમાં 18 લાખ લેવા આવ્યા ત્યારે છટકું ગોઠવીને તેમને ઝડપી લેવાયા હતા.​​​​​​​

કિસ્સો 3, 2020ઃ મહિલા PSIએ રેપના આરોપી પાસેથી 35 લાખ માગ્યા હતા
અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસની પીએસઆઈ શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં આરોપીને પાસા હેઠળ પૂરવા કહી 35 લાખ માગ્યા હતા, જેમાંથી 20 લાખ લીધા હતા. પીએસઆઈએ આઈફોન બીજા પાસેથી લાંચરૂપે ખરીદાવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું.​​​​​​​​​​​​​​

અપ્રમાણસર મિલકતનો સૌથી મોટો કેસ - વીરમ દેસાઈને ત્યાંથી 30 કરોડની બેનામી મિલકત મળી
તાજેતરમાં જ ગુજરાત એસીબીના ઇતિહાસમાં અપ્રમાણસર મિલકતનો સૌથી મોટો કેસ નોંધાયો હતો. મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ અને કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી 30.47 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી, જે તેમની આવક કરતાં 122.39 ટકા વધુ છે. વિરમ દેસાઈએ 30 વર્ષની નોકરીમાં ચાર કરોડ રોકડા, ત્રણ ફ્લેટ, 2 બંગલા, 11 દુકાન, 11 મોંઘી કાર વસાવી હતી, જેમાંથી 30 કરોડની સંપત્તિ બેનામી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સરકારી અધિકારીઓ-કર્મચારીઓ લાંચ લેતા પકડાયા હોવાના મામલે સુરત સૌથી આગળ, વડોદરા બીજા ક્રમે
સુરતમાં છેલ્લાં 5 વર્ષમાં 135 ટ્રેપ કરાઈ છે, જેમાં સૌથી વધારે 469 સરકારી બાબુ અને 168 ખાનગી માણસો મળીને કુલ 637 લોકો લાંચ લેતા પકડાયા છે. જ્યારે સરકારી કર્મચારીઓ લાંચ લેતા પકડાયા હોવાના સૌથી વધુ કિસ્સામાં સુરત પછી વડોદરા બીજા ક્રમે છે.

કુલ 2633 સરકારી-ખાનગી માણસો પકડાયા

શહેર યુનિટ

ટ્રેપ

સરકારી

ખાનગી

કુલ

વડોદરા

175

350

90

440

સુરત

135

469

168

637

અમદાવાદ

133

285

100

385

મહેસાણા

114

201

58

259

રાજકોટ

105

280

102

382

જૂનાગઢ

70

181

52

233

બોર્ડર

102

244

73

297

કુલ

834

1990

643

2633

​​​​​​​35 ટકા ખાનગી માણસોએ સરકારી બાબુઓ વતી લાંચ લીધી

પાંચ વર્ષમાં 830થી વધુ ટ્રેપમાં 2633 લોકો પકડાયા, જેમાં 1990 સરકારી અને 643 ખાનગી લોકો છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો સરકારી માણસોના 33થી 35 ટકા જેટલા ખાનગી માણસો સરકારી બાબુ વતી લાંચ લેતા પકડાયા હતા.

લાંચિયા બાબુઓને પકડવા ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ, GPRSનો ઉપયોગ
એસીબીએ ઘણાં વર્ષોથી લાંચિયા બાબુઓને પકડવા માટે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ, જીપીઆરએસ સહિતની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જોકે આ ટેક્નોલોજીનો ઉપયોગ દરેક લાંચિયા બાબુને પકડવા માટે કરવામાં આવતો નથી, પરંતુ જરૂર જણાય ત્યાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે.

ઘણી ટ્રેપ કરવામાં મહિનો પણ લાગે છે
મોટા ભાગે કોઈ પણ ટ્રેપમાં સમય નક્કી હોતો નથી. એક દિવસથી માંડીને એક મહિના સુધીનો સમય પણ ઘણા કિસ્સામાં લાગે છે. તેમાં પણ સરકારી બાબુઓ પંચો-સાક્ષીઓને ઓળખી જતાં હોવાથી અથવા તો તેમને એસીબીના અધિકારીઓની ચહલપહલનો અંદાજ આવી જાય તો તે એલર્ટ થઈ જતાં હોવાથી ઘણી ટ્રેપમાં વધારે સમય લાગે છે.

82 ક્લાસ-1 અધિકારીઓ લાંચ લેતા પકડાયા
છેલ્લાં 5 વર્ષમાં 82 ક્લાસ-1 અધિકારી જ્યારે 643 ખાનગી માણસો લાંચ લેતા પકડાયા હતા.
ક્લાસ-1 અધિકારીઓ - 2016માં 17, 2017માં 13, 2018માં 33, 2019માં 16 અને 2020માં 3 અધિકારી લાંચ લેતા પકડાયા.
ખાનગી માણસો - 2016માં 122, 2017માં 47, 2018માં 256, 2019માં 144 અને 2020માં 74 ખાનગી માણસો લાંચ લેતા પકડાયા.

2016માં બેનામી સંપત્તિના સૌથી ‌વધુ 21 ગુના
વર્ષ 2020માં આઠ મહિનામાં એસીબીમાં અપ્રમાણસર મિલકતના 19 ગુના દાખલ થયા છે. જ્યારે 2019માં 18, 2018માં 12, 2017માં 8 અને 2016માં 21 ગુના દાખલ થયા હતા.

આધુનિક ટેક્નોલોજીની સાથે એક્સપર્ટ્સ, સરકારી વકીલની મદદથી સજાનું પ્રમાણ વધ્યું
એસીબીના કેસોમાં આરોપીઓને સજા થાય તે માટે કાયદાકીય, નાણાકીય, ફોરેન્સિક, ટેક્નિકલ તેમ જ રેવન્યુ સલાહકારોની મદદ લેવામાં આવી રહી છે. આ સાથે ખાસ કેસોમાં સરકારી વકીલોની પણ નિમણૂક કરવામાં આવે છે તેમ જ છેલ્લાં ઘણાં વર્ષોથી એસીબી દ્વારા કોઈ પણ ટ્રેપમાં વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી, વોઇસ રેકોર્ડિંગ, મોબાઇલ ટ્રેસિંગ સહિતની ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. - ડી. પી. ચુડાસમા, તત્કાલીન ડીવાયએસપી, એસીબી

 

adv

Related News

post
post
post
post
post
post
post