• Home
  • News
  • સુરત ONGCના ટર્મિનલમાં વિસ્ફોટ સાથેની આગ કાબુમાં, કરોડોના નુકસાનનો અંદાજ, જાનહાનિની તપાસ, આસપાસનું તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું
post

સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-24 11:21:19

હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટના ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો. ગેસ લિકેઝના કારણે વહેલી સવારે 3 વાગ્યાને 15 મિનિટ આસપાસ ત્રણ વિસ્ફોટ થયા હતા. આ ધડાકાથી આગ લાગી ગઈ હતી. આગના પગલે પ્લાન્ટમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. આગ વખતે થયેલા ધડાકાથી આસપાસના ગામવાસીઓ સાથે શહેરીજનો ધ્રૂજી ગયા હતા અને ઘર બહાર નીકળી ગયા હતાં. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. ત્રણ વ્યક્તિ લાપતા થયા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ઉભરાટ પાસે ગેસ લાઈનનો વાલ્વ બંધ કરી દેવાતા અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની વાટે સળગાવી દઈને આગ પર કાબૂ મેળવાયો છે. ચીમનીમાંથી ગેસ સળગાવતા આસપાસનું તાપમાન 50 ડિગ્રી જેટલું થયું હતું. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.

ચીમનીમાંથી 20 ફૂટથી વધુ આગની જ્વાળા ઉપર ઉઠિ
મુખ્ય ગેસ લાઈનના ગેસ પ્રવાહને ચીમની તરફ વાળી દેવામાં આવ્યો હતો. જેથી ચીમનીમાંથી 20 ફૂટથી ઉંચી ગેસની જ્વાળાઓ ઉપર ઉઠિ હતી. જેથી આસપાસનું નોર્મલ તાપમાન 20થી 25 ડિગ્રીની જગ્યાએ વધીને 50 ડિગ્રીથી વધુ થઈ ગયું હતું. ONGCની સામે આવેલી ગૈલ કંપનીના ગેટ પર પણ લોકો સામું મો રાખીને ઉભા ન રહી શકે તેટલું તાપમાન વધી ગયું હતું. જેથી દુર્ઘટના સ્થળ અને કંપનીના પ્લાન્ટમાં કેટલું તાપમાન વધ્યું હશે તે અનુમાન લગાવી શકાય છે.

પાઈપમાં રહેલો ગેસનો જથ્થો સળગાવી આગ પર કાબૂ મેળવાયો
મુંબઈથી સુરત આવતી ગેસની પાઈપમાં ટર્મિનલ પાસે આગ લાગી હતી. જેના પર કાબૂ મેળવવા માટે ઉભરાટ પાસે આવેલા વાલ્વને બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉભરાટથી હજીરા(દુર્ઘટના સ્થળ) સુધીનો ગેસ સળગાવવા માટે ચીમની વાટે પ્રેશરથી ગેસ સળગાવાયો હતો. જેથી પાઈપમાં રહેલો ગેસ સળગી જતા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડની ગાડીઓ પરત ફરી
માખ્ખી જાની (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, ત્રણ ફાયર સ્ટેશનની 5 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. એટલું જ નહીં પણ મોટી દુર્ઘટના હોવાથી આજુબાજુની રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રીઝની ફાયર વિભાગમાંથી મદદ પણ લેવાઈ હતી. મુંબઇથી આવતી પાઇપ લાઈનમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના બાદ ONGCનું ફાયર વિભાગ જ હાઇડ્રોલિક સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગયો હતો. આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલીંગ કામગીરી પણ કરવામાં આવી છે. આગને ONGCની ચીમનીથી રસ્તો આપી દેવાયો હતો. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ પરત ફરી હતી.

પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ લાપતા
સુરક્ષાને ધ્યાનમાં રાખતાં મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇ વેના રસ્તાઓ બંધ કરાયા હતા. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગેસ ટર્મિનલમાં આગ લાગ્યા બાદ અને પ્રચંડ ધડાકા બાદ ત્રણ વ્યક્તિ લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાંથી એક સિક્યોરિટી ગાર્ડ અને બે શ્રમિકોમાં લાઈનમેન સહિતના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આગને કારણે ONGCને અબજો રૂપિયાના નુકસાનની સંભાવના
ONGC
ના આ પ્લાન્ટમાંથી થતો ગેસ સપ્લાય હજીરાની ફર્ટિલાઈઝર કંપની, પાવર અને પેટ્રોલિયમ કંપનીઓ, સીએનજી ઉત્પાદક કંપનીઓ, સિરામિક કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ભારતનાં છ રાજ્યોમાં આ ગેસ પાઈપલાઈન જાય છે, જેને કારણે આગથી ONGC કંપનીને અબજો રૂપિયાનો પ્રોડક્શન લોસ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગ બાદ લોકોને સલામત બહાર કઢાયા
ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડી અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. પોલીસની ગાડીઓ પણ પ્લાન્ટ તરફ રવાના થઈ છે. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રેક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

લોકોમાં ડર ફેલાયો
મુંબઈથી દરિયાઈ માર્ગે આવતી ગેસ પાઇપલાઇનના માધ્યમથી ONGCના આ (એક) પ્લાન્ટમાં ગેસ પુરવઠો સંગ્રહ કરાતો હતો, જેમાં ત્રણ બ્લાસ્ટ ઉપરાઉપરી થતાં અફરાતફરી મચી ગઈ હતી એવું જાણવા મળ્યું છે. આ ગેસ પાઇપલાઇન 240 કિલોમીટર લાંબી છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળતો ડરનો માહોલ પેદા થયો હતો.

હાલ કોઈ જાનહાનિ સર્જાઈ નથી: કલેક્ટર
સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગેસ લીકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઈ હોય એવું સામે આવ્યું નથી. રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

ડુમસ, ભીમપોર, ગવીયર, ભાટપોર સહિતના કાંઠા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ONGC માં કાયમી અને કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. દુર્ઘટના બાદ અઢીથી ત્રણ કલાકમાં 50 ટકા જ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.


હજીરામાં ONGC પ્લાન્ટ 19 કિ.મી.માં પથરાયેલો છે
સુરતના હજીરા ખાતે આવેલો ONGC કંપનીનો પ્લાન્ટ આશરે 640 હેક્ટરમાં છે. તેનો વિસ્તાર 19 કિ.મી. વિસ્તારમાં પથરાયેલો છે. ONGC કંપની દ્વારા LPG, નેપ્થા, એસકેઓ, ATF, એચએસડીએન પ્રોપ્રેન બનાવવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post